દૈનિક ર૦૦ સિલિન્ડર ‘પ્રાણવાયુ’ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા : ચોથા ઓક્સિજન પ્લાન્ટનું આજે સાંજે જી.કે.માં ટેસ્ટીંગ

પ્લાન્ટ કાર્યરત થવાથી જી.કે.માં લુઝ સિલિન્ડરનો ઉપયોગ બનશે નહિવત : લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ સ્ટેન્ડ બાય

ભુજ : કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં પ્રાણવાયુની ભારે અછત ઉભી થઈ હતી. જાે કે, બાદમાં ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા વધતા હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. ત્યારે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓક્સિજનનો ચોથો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે, જેનું આજે સાંજે ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પ્લાન્ટ દૈનિક ર૦૦ સિલિન્ડર પ્રાણવાયુની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જેથી સમગ્ર હોસ્પિટલમાં પ્રાણવાયુની જરૂરીયાતને સહેલાઈથી પહોંચી શકાશે.

આ અંગેની વિગતો મુજબ જી.કે. જનરલમાં હાલ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ કાર્યરત છે, જે દૈનિક ૩૩૦ સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, જાે કે, ઓક્સિજનનું ઉત્પાદન વધારવા અને હોસ્પિટલની માંગને પહોંચી વળવા હોસ્પિટલમાં ઓક્સિજનનો ચોથો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે, જેની તમામ ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ જતા આજે સાંજે તેનું ટેસ્ટીંગ કરવામાં આવશે. ટેસ્ટીંગ બાદ આ પ્લાન્ટને કાર્યરત કરી દેવાતા જી.કે.માં દૈનિક પ૩૦ જમ્બો ઓકસીજન સિલિન્ડર ભરી શકાશે.

આ બાબતે પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ કહ્યું કે, જી.કે.માં ત્રણ પ્લાન્ટ ઉપરાંત ચોથો પ્લાન્ટ પણ કાર્યરત થઈ જશે. આ ઉપરાંત એક લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક તૈનાત રખાયું છે. અગાઉ રિલાયન્સ જામનગરથી ટેન્કર મંગાવાયું હતું. જરૂર જણાશે તો રાજય સરકાર પાસે માંગણી કરી વધુ એક મંગાવવામાં આવશે. હાલમાં જે ચાર પ્લાન્ટ છે તે જનરેટરના આધારે હવામાંથી ઓક્સિજન જનરેટ કરે છે. હોસ્પિટલના તમામ વોર્ડમાં પાઈપલાઈન ફિટીંગ કરાઈ છે, જેથી અહીં ઉત્પન્ન થતો પ્રાણવાયુ વોર્ડ સુધી પહોંચાડાશે જેથી લુઝ સિલીન્ડરની જરૂરીયાત ઘટી જશે. જેથી એ લુઝ સિલીન્ડર અન્ય હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત રાજયમાં ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે જિલ્લા તંત્રએ સંભવતઃ પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. બીજી લહેરમાં અંતિમ ઘડીએ દોડધામ કરવાનો વારો આવ્યો હતો, ત્યારે સંભવતઃ ત્રીજી લહેરમાં આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અત્યારથી જ ટાંચા – સાધનો ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે.