દેશલપર (વાંઢાય) પાસે કાર બાઈક વચ્ચે અકસ્માત : યુવાનનું મોત

નખત્રાણા : તાલુકાના દેશલપર વાંઢાયથી એકાદ કિ.મી. નખત્રાણા તરફના માર્ગે સ્વીફટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવાનને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત એટલી હદે ભયાનક હતો કે મોટર સાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજની જુની રાવલવાડીમાં રહેતા ગોવિંદ આતુ સીજુ (ઉ.વ.ર૭) તથા વિનોદ મકવાણા (રહે. ભુજ) બન્ને જણા નખત્રાણાથી ભુજ તરફ આવતા હતા ત્યારે રાત્રીના પોણા આઠેક વાગ્યાના અરસામાં ભુજથી નખત્રાણા તરફ આવી રહેલ સ્વીફટ કારના ચાલકે મોટર સાયકલ સાથે ધડાકાભેર ભટકાવી એક્સીડેન્ટ કરતા રોડ પર ફંગોળાઈ જવાથી ગોવિંદને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. જ્યારે વિનોદને ગંભીર પ્રકારની ઈજાઓ થતા હોસ્પીટલ ખસેડાયો હતો. અકસ્માતમાં રોડ પર બાઈક ઢસાડાવાથી આગ લાગી જતા બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને હોસ્પીટલ મોકલી આપવા મદદરૂપ થયા હતા. નખત્રાણાના પીએસઆઈ એન.બી. ઝાલાએ બનાવ અંગે કાર ચાલક સામે ફેટલ એક્સીડેન્ટનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. યુવાનનું અકાળે મોત થતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.