દેશલપર (ગું)ના પટેલ પરિવારને લીંબડી નજીક નડ્યો અકસ્માત : ત્રણના મોત

નખત્રાણા : તાલુકાના દેશલપર ગુંતલી ગામે રહેતા પટેલ પરિવારને લીંબડી નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ વ્યકિતઓ મોતનો કોળીયો બની ગયા હતા જ્યારે અન્ય ત્રણને ઈજાઓ થતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.
નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામે રહેતા પાટીદાર યુવક મંડળ રપ વર્ષ પુરા થતા તેની રજત જયંતિ મહોત્સવ પ જાન્યુઆરી ર૦૧૮થી ૭ જાન્યુઆરી દરમ્યાન ઉજવણી થવાની હોઈ ઉજવણીમાં ભાગ લેવા ગામના દિવાણી પરિવાર હાલે ધંધાર્થે હૈદરાબાદ વસે છે તે બુધવારે વહેલી સવારે પ્લેન દ્વારા અમદાવાદ આવી અને પોતાના સંબંધીની ઈનોવા કાર દ્વારા વિરપુર (જલારામ દર્શને) જવા નિકળેલ ત્યારે લીંબડી નજીક કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લલીત મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૩૮), દિપાલીબેન કિરણભાઈ દિવાણી (ઉ.વ.ર૭), કિર્તીબેન પટેલ (ઉ.વ.ર૮)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોતને ભેટ્યા હતા જ્યારે મીનાબેન લલીતભાઈ પટેલ, કિરણભાઈ શાંતિલાલ પટેલ, રાજશેખર રાધવેન્દ્ર રેડ્ડીને ઈજાઓ થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. લીંબડી પોલીસે કાર ચાલક સામે ફેટલ એક્સિડેન્ટનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
હૈદરાબાદ વસતા પટેલ પરિવારના ત્રણ ત્રણ વ્યકિતઓના મોતથી માદરે વતન દેશલપર ગુંતલીમાં શોકનું મોજુ છવાઈ જવા
પામ્યું હતું.