દેશલપર ખાતે રૂ.325 લાખના ખર્ચે વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

0
28

કચ્છને વડાપ્રધાનશ્રીએ નર્મદાના નીરથી પાણીદાર બનાવ્યું છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય

ભુજ :મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 325 લાખના વિકાસ કામોનું આજ રોજ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્યના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
 આજના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છને વડાપ્રધાનશ્રીએ નર્મદા નીરથી પાણીદાર બનાવ્યું છે. ગામે ગામ વિકાસ કામોની લ્હાણી કરીને ગામોની સુખાકારીમાં વધારો કર્યો છે. વિવિધ યોજનાઓના માધ્યમથી લોકોને આરોગ્ય, ખેતી, વેપાર ધંધા વગેરે ક્ષેત્રમાં બહોળો લાભ મળ્યો છે. ત્યારે આજે ભારતનો વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ,વડાપ્રધાનશ્રી યાત્રાધામોના વિકાસ માટે કટિબદ્ધ છે જેના પરિણામે આજે કચ્છના વિવિધ ધાર્મિક સ્થાનોના વિકાસ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
    આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી પારુલબેન કારાએ જણાવ્યું હતું કે, દેશલપર ખાતે વિવિધ રસ્તાઓનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને સુવિધાઓનો લાભ મળશે. અહીં ઉમિયાધામ હોવાથી શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે રોડ કનેક્ટિવિટી જરૂરી બની જાય છે. સરકાર લોકોને સુવિધાઓને પ્રાધાન્ય આપીને વિકાસના કાર્ય કરી રહી છે.
આજના કાર્યક્રમમાં રૂ.૧૦૦ લાખના ખર્ચે વાંઢાઈ મુખ્ય રોડથી કામધેનુ હોટલથી મતિયા દેવદાદા સ્થાનક, રૂ.30 લાખના ખર્ચે દેશલપર નલિયા રોડથી મહેશ્વરી સ્મશાન રોડ, રૂ.70 લાખના ખર્ચે ભુજ નલિયા હાઇવેથી દેશલપરથી પ્રાથમિક શાળાને જોડતો રોડ, રૂ.25 લાખના ખર્ચે વાંઢાઈ ગામે ઉમિયા માતાજી તથા ગૌશાળા સુધી મુખ્ય રોડથી એપ્રોચ રોડના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત પંચાયત સદસ્યશ્રી કુંવરબેન મહેશ્વરી, આગેવાન શ્રી બાબુભાઈ ચોપડા, શાંતિભાઈ ભાવાણી, ભીમજીભાઇ જોધાણી, જયશ્રીબેન વાસાણી, મેઘજીભાઈ મહેશ્વરી વગેરે તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.