દેશલપરમાં ડીઝલના બદલે વાહનોમાં બેઝઓઈલ ધબડાવી દેતા પંપ સંચાલક સાણસામાં

  • ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : વાહન ચાલકો ડીઝલ પુરાવતા પહેલાં રહે સાવધાન

એસઆર કંપનીના પેટ્રોલ પંપમાં ગ્રાહકો પાસેથી ડીઝલના પૈસા લઈ વાહનોમાં બેઝઓઈલ ભરવામાં આવતું હતું : ત્રણની અટકાયત, ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ : પશ્ચિમ કચ્છમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલ પંપમાં થતી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. ભુજ-નલિયા હાઈવે પર દેશલપર ચેકપોસ્ટથી ૩ કિ.મી. દૂર આવેલા રવેચી પેટ્રોલિયમમાં ગ્રાહકો પાસેથી ડીઝલના રૂપિયા લઈ તેમના વાહનમાં ડીઝલના બદલે સફેદ જ્વલનશીલ પ્રવાહી એટલે બેઝઓઈલ ભરવામાં આવતું હતું. એલસીબીએ દરોડો પાડી ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ વડા સૌરભસિંગ દ્વારા જિલ્લામાં ગેરકાયદે રીતે થતા બેઝઓઈલ તેમજ ભેળસેળવાળા ડીઝલના વેપારની પ્રવૃત્તિ બંધ કરવા સૂચના અપાઈ હતી. જે અન્વયે એલસીબીના કર્મચારીઓ, પીઆઈ એચ.એમ.ગોહિલના માર્ગદર્શનમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળી કે, નખત્રાણા તાલુકા વિસ્તારમાં આવતા ભુજ-નલિયા હાઈવે પર દેશલપર ચેકપોસ્ટથી ૩ કિ.મી. દૂર આવેલા રવેચી પેટ્રોલિયમ નામના એસઆર કંપનીના પેટ્રોલ પમ્પના માલિક તેમજ સંચાલકો દ્વારા આ પમ્પમાં ડીઝલ પુરાવા આવતા ગ્રાહકો પાસેથી ડીઝલના પૈસા મેળવી તેમના વાહનમાં ડીઝલના બદલે સફેદ કલરનું જ્વલનશીલ પદાર્થ નાખવામાં આવતું હતું. જેથી બાતમીના આધારે એલસીબીની સાથે નખત્રાણા ડીવાયએસપી વી.એમ. યાદવ દ્વારા પમ્પમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં સફેદ કલરનું પ હજાર લિટર બેઝ ઓઈલ મળી આવતા નખત્રાણા પોલીસમાં આરોપીઓ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ તેમજ સ્ફોટક અધિનિયમની કલમો તડે ગુનો દાખલ થયો હતો. આ રેડ દરમિયાન માધાપરના દિલીપજી ભગવાનજી ગાગલ અને જિયાપરના જાવેદ ફકીરમામદ કુંભાર અને હાજી જુસબ કુંભારની ધરપકડ કરાઈ હતી. જ્યારે માધાપરમાં રહેતો જગદીશભાઈ ભગવાનજી ગાગલ મળી આવ્યો ન હતો. સ્થળ પર પરથી ૩.રપ લાખનું બેઝઓઈલ તેમજ રપ લાખનું જીજે૧ર-બીએક્સ-૯રપ૬ તેમજ ૮૩ હજાર રોકડા અને ૯પ હજારના ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા