દેણા ચોકડી પાસેથી ૪૭ પશુ ભરેલી ટ્રક જીવદયા પ્રેમીએ ઝડપી પાડી

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપ ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીએ પીછો કરી ઝડપી પાડી હતી. હરણી પોલીસે ખીચોખીચ ૪૭ પશુઓ ભરેલી ટ્રક સાથે ૯ લાખથી વધુની મત્તા કબજે કરી હતી અને હરણી પોલીસે બે શખસોને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. અત્રે નોંધનીય છે કે, પશુ એટલા નિર્દયતાપૂર્વક ભર્યા હતા કે, પશુઓની ચામડી છોલાઈ જતા ઈજાઓ પણ પહોંચી હતી.
પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થામાં ફરજ બજાવતા નેહા પટેલ અમદાવાદથી વડોદરા તરફ આવી રહ્યા હતા, ત્યારે દેણા ચોકડી પાસે તેમની નજીકથી પસાર થતી ટ્રકમાં પશુ ભરેલા હોવાની શંકા જતા તેમણે ટ્રકનો પીછો કર્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઇવર હોટલ કમ્ફર્ટ ઇન સામે ટ્રકને ઉભી રાખી અંધારામાં નાસી છૂટ્યો હતો. લાકડાના પાટીયા વાડી બંધ બોડીની ટ્રકમાં તાડપત્રી હટાવીને જોતા ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બાંધેલા પશુઓ મળી આવ્યા હતા. જેમાં રૂપિયા ૧.૦૨ લાખની કિંમતના ૪૭ નંગ પાડી અને પાડાઓ મળી આવ્યા હતા.પોલીસે પશુ અને ટ્રક સહિત રૂપિયા ૯.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને અજાણ્યા ટ્રક ચાલક અને પશુ ભરાવનાર શખસ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તમામ પશુઓને હાલ સયાજીપુરા પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે.