દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ, શહેરની ઈમારતો ધ્રૂજી ઊઠી

(જી.એન.એસ.)દુબઇ,દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ આખું દુબઈ હચમચી ઉઠ્યું હતું. બુધવારે મોડી રાતે થયેલો વિસ્ફોટ એટલો પ્રંચડ હતો કે, શહેરની ઘણી ઈમારતો ભૂકંપ આવ્યો હોય તે રીતે હલી ઉઠી હતી અને લોકો પથારીમાંથી બેઠા થઈ ગયા હતા. બંદરથી ૨૫ કિલોમીટર દુર સુધીના વિસ્તારમાં ઘરોમાં આંચકા અને ધ્રુજારી અનુભવાઈ હતી. જોકે જાનમાલની ખુવારીના અહેવાલો હજી મળ્યા નથી.ઉલ્લેખનીય છે કે, દુબઈના આ બંદર પર અમેરિકન યુધ્ધ જહાજોની પણ અવરજવર રહેતી હોય છે. દુબઈ સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે, નાના કદના માલવાહક જહાજમાં આ વિસ્ફોટ થયો હતો. જેમાં ૧૩૦ કન્ટેનર મુકવાની ક્ષમતા છે. ધડાકો થયા બાદ દુબઈના રહેવાસીઓએ પોતાની ઈમારતોની અગાસીઓ પરથી આ ઘટના વિડિયો કેમેરામાં રેકોર્ડ કરી હતી અને સોશિયલ મીડિયા પર તેના વિડિયો પણ શેર કર્યા હતા.અધિકારીઓએ કહ્યું હતું કે, જહાજમાં લાગેલી આગ પર કાબૂ મેળવી દેવાયો છે. જહાજના કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગ લાગી હતી. આસપાસના જહાજોને કેટલું નુકસાન થયું છે તે હજી બહાર આવ્યુ નથી પણ વિસ્ફટોના સ્થળે બળી ગયેલા કન્ટેનરો અને કાટમાળ પડેલો છે.જેબેલ અલી બંદર દુનિયાનુ મહત્વનુ બંદર મનાય છે. અહીંયા ભારતીય ઉપમહાદ્વિપ, એશિયા અને આફ્રિકાથી આવતા કાર્ગોને હેન્ડલ કરવામાં આવે છે. દુબઈ અને આસપાસના રાજ્યો માટે આ લાઈફ લાઈન છે.