દુધઈ સીએચસી માટે ફાળવાયેલ ગૌચર જમીન રદ્દ કરો

જિ.પંં.ના વિપક્ષીનેતા સહિત ગૌચર  હિત રક્ષક સમિતિ  દ્વારા રજૂઆત

અંજાર : તાલુકાના દુધઈ ગામે સીએચસી હોસ્પિટલ માટે ૪ હજાર ચોરસ મિટર જમીન ગત ૧૫મી સપ્ટેમ્બરના હુકમથી ફાળવવામાં આવેલ છે. આ જમીન ગૌચર પૈકીની તેમજ ગામથી દૂર હોવાને કારણે તાત્કાલિક અસરથી મંજૂર થયેલી જમીન રદ્દ કરીને સ્થળ બદલવામાં આવે તેવી રજૂઆત જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ દ્વારા કરાઈ હતી. દુધઈ તેમજ આસપાસના ગ્રામજનો અને ગૌચર હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર  પાઠવવામાં આવ્યું હતું. દુધઈ ગામે સર્વે નંબર ૭૩૩ પૈકીની ૪ હજાર ચોરસ મિટરની જમીન સીએચસી માટે મંજૂર કરવામાં આવી છે. આ જમીન સરકારી ટાવર્સની નહીં પણ ગૌચર હોવાને કારણે ગ્રામસભાની મંજૂરી વિના જમીનની કોઈ ફાળવણી કરી શકાય નહી, પરંતુ આ કિસ્સામાં અન્ય કચેરીઓએ કલેક્ટરશ્રીને ગેરમાર્ગે દોરીને સીએચસી માટેની જમીન મંજૂર કરાવી છે. ગૌચર જમીનને સરકારી ટાવર્સ ગણાવીને સીએચસી માટે મંજૂર કરાવાઈ છે. ત્યારે વિપક્ષી નેતા વી કે હુંબલે જણાવ્યું હતું કે, આ ગૌચર જમીનની મંજૂરી તાત્કાલિક રદ્દ કરવામાં આવે, અને અન્યત્ર કોઈપણ યોગ્ય જગ્યાએ ફાળવણી કરવામાં આવે. જો ૭ દિવસની અંદર યોગ્ય પગલા નહીં લેવાય તો ગૌચર બચાવવા માટે હાઈકોર્ટમાં જવાની ચિમકી પણ ગૌચર હિત રક્ષક સમિતિ દ્વારા અપાઈ હતી.