દુધઈ પોલીસ દ્વારા ઝડપાયેલા 42 લાખના શરાબના જથ્થાનો કરાયો નાશ

અંજાર : પૂર્વ કચ્છના દુધઈમાંથી ઝડપાયેલા વિક્રમી શરાબના જથ્થાનો દુધઈ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજુરી મેળવીને નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા, અંજાર સબ મેજીસ્ટ્રેટ વી.કે. જોષી અને દુધઈ પોલીસ મથકના પીએસઆઈ વાય.કે. ગોહિલની ઉપસ્થિતિમાં 42 લાખ 6 હજાર 635 રૂપિયાના શરાબ પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વખતો વખત વિક્રમી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે, ત્યારે ઝડપાયેલા શરાબનો વખતો વખત નિકાલ કરવા દારૂના જથ્થાનો નાશ કરાતો હોય છે. તેવામાં દુધઈ પોલીસ હસ્તક ઝડપાયેલા 42 લાખથી વધુના શરાબનો નાશ કરાયો હતો. દુધઈ પોલીસ દ્વારા અગાઉ 18મી માર્ચ 2018થી 26 માર્ચ 2021 સુધીમાં શરાબનો જથ્થો ઝડપ્યો હતો. તો 28 ઓગસ્ટ 2028થી 24 મે 2021 સુધીમાં ઝડપાયેલા જથ્થાનો નાશ કરાયો હતો. આ વિક્રમી શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવતા સીમાડામાં દુર્ગધ ફેલાઈ હતી. તો દારૂની નદીઓ વહેતા પ્યાસીઓની લાળ ટપકી હતી.