દુધઈ-ધમડકા હાઈવે પર મોટાપાયે બેઝઓઈલનો ધીકતો ધંધો : રીતસરની લાઈનો લાગે છે.! : કયા મોટામાથાનું કારસ્તાન?

  • સી… સસ… કોઈને કહેતા નહીં..!

ગુજરાત સરકાર દ્વારા બેઝઓઈલના હાટડાઓ બંધ કરવાની કડક અને તટસ્થ સુચના બાદ જિલ્લાવ્યાપી દરોડા-રેડનો પોલીસે આદર્યો છે વ્યાયામ, કેસો પણ સત્તાવાર રીતે થઈ રહ્યા છે દાખલ, છતાં દુધઈ-ધમડકા હાઈવે પર લાઈનો કાયદેસરનો જ ધંધો ચાલતો હોય તેવુ નેટવર્ક કેમ વિકસી ચુકયુ છે.? હજુય શા માટે છે આબાદ ? ખાખીધારીઓને અહી દરોડો પાડવામાં કોનો લાગે છે ડર ?

ગાંધીધામ : ઈંધણના આગ જરતા ભાવોના વિકલ્પ રૂપે સરકારે બાયોફયુઅલ નીતી અમલી બનાવી હતી પરંતુ તેની આડમાં કેટલાક ભેજાબાજ તત્વો દ્વારા મિક્ષ ઓઈલનો વેપલો ઠેર ઠેર ધમધમાવી દીધો હતો. જેના લીધે પ્રદુષણ વધવુ, વાહનોના એન્જીનનુ નખ્ખોદ વળી જવુ અને સરકારની તિજોરીને પણ કરચોરી પેટેનો મોટો ફટકો પડવા પામી રહ્યો હતો. જેના પર તાજેતરમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ખુદ લાલઆંખ કરી અને પોલીસ સહિતની એજન્સીઓને સ્પષ્ટ આદેશ આપી બેઝઓઈલ અને મિક્ષ ઓઈલના હાટડાઓ રાજયભરમાં સદંતર બંધ કરાવવાનુ જણાવી દેવાયુ હતુ. જેના પગલે કચ્છમાં પણ ઠેર ઠેર બેઝઓઈલના નામે શંકાસ્પદ જથ્થાઓ પકડવામાં આવી રહ્યા છે ત્યારે અહી ચિંતા જગાવનારી તથા સવાલો ખડા કરનારી વાત અહી એ ચર્ચાય છે કે, કચ્છમાં બધે જ દરોડા પડી રહ્યા છે, જથ્થો પકડાઈ રહ્યો છે પણ દુધઈ-ધમડકા હાઈવે કે જયાં બેઝઓઈલનો સૌથી મોટો નેટવર્ક પાંગરી ચૂકયુ છે તે આજે પણ આબાદ જ છે. અહી કોઈ દરોડા પડતા નથી? આવુ કેમ?આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો દુધઈ-ધમડકા હાઈવે પર બેઝઓઈલનો નેટવર્ક એ રીતે પાંગરી અને વકરી ચુકયુ છે કે જાણે આ કોઈ કાયદોસરનો મંજુરીથી ચાલતો ધંધો જ ન હોય..! અન્યત્ર તો ટેન્કરો પકડાઈ રહ્યા છે પણ અહી તો રીતસરની લાઈનો લાગતી હોવાનુ કહેવાય છે. આટલા મોટા વ્યાપક પ્રમાણમાં બેઝઓઈલનુ માળખુ અહી વિકસાવી લેવાયુ છે તો પણ અહી કોઈ જ ખાખીધારીઓ દરોડો પાડવાની હિમંત કેમ નથી કરતુ? શા માટે અહી કોઈ કેસ કરવા જતુ નથી? આવા કઈક સવાલો ઉભા થવા પામી રહ્યા છે. લોકો પુછી રહ્યા છે કે, આ બેઝઓઈલના પોઈન્ટ પર એવા તો કયા મોટા માથાના ચાર હાથ છે કે, તેનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતુ? આટલુ મોટુ નેટવર્ક ધમધમી રહ્યુ છે છતા પણ કોઈની નજર કેમ તેના તરફ નથી પડતી? તેવા અનેક સવાલો આ તબક્કે ઉઠવા પામી રહ્યા છે.