દિવસ રાત જોયા વગર મૃતદેહને અંતિમવિધી માટે પહોંચાડતા શબવાહિની અને એમ્બ્યુલન્સ ચાલક કોરોના યોધ્ધાઓ

આપણે તો સાવધાની રાખીએ બીજુ ભગવાન પર છોડીએ ..બીક રાખીએ કામ ના થાય – વાહન ચાલક કપિલભાઈ આહિર

“ભાઇ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ મૃતકના સબંધી ખુબ દૂરથી આવ્યાં છે, દુ:ખી છે અને મૃત્યુ પછી આખી રાત અટકીને બેઠાં છે. તો જલ્દી અગ્નિસંસ્કાર થાય તો એ લોકોને રાહત થાય અને બધા ઘરે પહોંચે. “ આમ વહેલી સવારે એમ્બ્યુલન્સ ચાલકનો ફોન આવે છે  કોવીડ સ્મશાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરતા સ્વયં સેવકો ને !!  તંત્ર સાથે સંકલનમાં રહેતા તેઓ પુછે છે ,”કે બે બોડી છે, લઇને ક્યારે આવું? કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમસંસ્કારનું કામ જોખમી તો છે જ પણ આ મહામારીમાં હોસ્પિટલોમાં ખડકાયેલા એ મૃતદેહોનો ઝડપી નિકાલ તો જ થાય જો એ મૃતદેહો સમયસર હોસ્પિટલથી સ્મશાન સુધી પહોંચે. અને કઠણ હ્રદય સાથે જીવના જોખમે એ કામ પાર પાડે છે શબવાહિની કે એમ્બ્યુલન્સના વાહન ચાલક કોરોના યોધ્ધાઓ….કોરોનાની અચાનક વણસેલી પરિસ્થિતિ અને ઉપલબ્ધ  સાધનો વચ્ચે સતત કામનાં ભારણમાં રહેતા સરકારી હોસ્પિટલના ડોકટરો, મેનેજમેન્ટ અધિકારીઓ કે કમઁચારીઓ ગમે એટલા પ્રયત્નો કરે પણ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ડ્રાયવરનું સ્મશાનમાં કામ કરતા કાયઁકર્તાઓ સાથે સીધું સંકલન ન હોય તો મૃતદેહના નિકાલ બાબતે ઘણી અગવડ ઉભી થઈ જાય . કાગડા બધે કાળા એ ઉકતિ  પ્રમાણે આવા સમયે પણ ગેરરીતિ અને સમય સંજોગનો લાભ ઉઠાવીને મૃતકના પરિવારો પાસેથી આથિઁક લાભ  ખંખેરી લેવાનું ન ચુકતા શરમજનક  છુટા છવાયા કિસ્સાઓ વચ્ચે 35 વર્ષીય  કોરોના મુકત થઈ ફરી ફરજ પર પર જોડાનાર એમ્બ્યુલન્સના વાહન ચાલક કપિલભાઈ આહિર ખરેખર કોરોના યોધ્ધા છે. દોઢ વરસથી જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે કોવીડ મ્રુતકો અને જરૂર પડે કોરોનાના દર્દીઓને ટ્રાંસફર કરવાની કામગીરી કરતા કપિલભાઈનો ૧૨મી એપ્રિલે કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો . ભુજ ગડા પાટિયા કોવીડ કેર સેન્ટર ખાતે ૭ દિવસ પછી ઘેરે રહી સારવાર લઈ હમણાં જ ફરજ પર જોડાએલા તેઓ  જણાવે છે કે,” આપણે તો સાવધાની રાખીએ બીજુ ભગવાન પર છોડીએ . બીક રાખીએ કામ ના થાય  . કોરોના મુકત બન્યા બાદ એ સૌને કહે છે કારણ વગર બહાર ના નીકળો. સરકારની વાતોનું પાલન કરી સમય થોડો સાચવી લો. “  ભયંકર ગરમી વચ્ચે આખો દિવસ પીપીઇ કીટ પહેરવી શક્ય જ નથી એવા સમયે એક સાથે બે બે મૃતદેહ ઉપાડીને ન માત્ર ઉપરાઉપરી સ્મશાનના ફેરા કરવા સાથે પોતાને ચેપ ન લાગે એની સાવચેતી અને સાથે આવેલ વ્યથિત સ્વજનોને સાચવવાનું અને હૈયાધારણ આપવાનું કઠિન કામ કરી રહ્યા છે આ એમ્બ્યુલન્સ ચાલકોએમ  સ્મશાન સંચાલક રામજીભાઈ જણાવે છે. તેમના અન્ય સાથી કહે છે ‘ બે વાહન ચાલકો તો પોતે કોરોનાગ્રસ્ત થયા પછી ફરી સ્વસ્થ થઇને કામે લાગ્યા છે તો કોઇની માતા કે પત્ની કોરોનાથી પીડાય છે છતાં આજીવીકા ઉપરાંત સમાજને પડતી તકલીફોનો ખરાબ સમય સાચવી લેવાની માનસિકતા સાથે ભુજની જી.કે. જનરલ, નગરપાલિકા અને સંસ્થાકીય ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિનીના ચાલકો કીશન મકવાણા, સાવન ગોસ્વામી,  ઘનજી સંજોટ અને સતાર ખલીફા, મુકેશ જોશી, પ્રવિણભાઇ કે ઇમરાનભાઇ સહીતના આ બધા નામી અનામી વાહન ચાલકો અત્યારે ખરેખર કોરોના યોધ્ધા બનીને પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે એમની કામગીરીને પણ ધન્યવાદ સાથે બીરદાવવી ઘટે  તેમજ તેમની સાથે સુખપર અને ખારી નદી સ્મશાન ખાતે કામ કરતાં કાર્યકર્તા પણ એટલાં  જ ધન્યવાદ ને પાત્ર છે.