દિલ્હીમાં ૮ મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની ગોળી મારીને હત્યા

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દિલ્હીમાં લોકડાઉન લાગૂ છે. આ દરમિયાન હજરત નિઝામુદ્દીન વિસ્તારમાં એક યુવકે તેની ૮ મહિનાની પ્રેગ્નન્ટ પત્નીની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના ત્યાં લાગેલાં કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રેગ્નન્ટ મહિલા ખુરશી પર બેઠી છે અને ત્યાં એક યુવક બંદૂક લઈને આવે છે અને તેના પર ફાયરિંગ કરી દે છે. આ દરમિયાન ખુરશી પાસે ઊભેલો એક યુવક મહિલાને બચાવવાનો પ્રયત્ન કરે છે અને તેને પણ બંદૂક લઈને આવેલો યુવક ગોળી મારી દે છે. આ પછી જમીન પર પડેલી તેની પત્ની પર યુવક બીજીવાર ફાયરિંગ કરે છે અને ત્યાંથી જતો રહે છે. મહત્ત્વનું છે કે, ૮ મહિનાની પ્રેગ્નન્ટ સાઇના જેલમાંથી જામીન પર બહાર આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેનો પતિ વસીમ તેને મળવા ના આવતાં બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. પોલીસે આરોપી પતિ વસીમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.