દિલ્હીના CM કેજરીવાલ અને DY CM સિસોદિયા સુધી ૫હોંચી શકે છે તપાસનો રેલો

દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની ફરિયાદ બાદ પોલીસ તપાસનો રેલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુધી પહોંચી શકે છે. પોલીસે ફરિયાદ બાદ આપના ધારાસભ્ય પ્રકાશ જારવાલ અને અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે જૈનની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે જરૂર પડી તો મારામારી સમયે હાજર તમામ લોકોની
પૂછપરછ થઈ શકે છે. પોલીસ આ મામલે તમામ લોકોના મોબાઈલ ફોનની ડિટેઈલની તપાસ કરી શકે છે. પોલીસને મારામારી મામલે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની શંકા છે. પોલીસ આ મામલે એક દિવસની નોટિસના આધારે કોઈપણની પૂછપરછ કરી શકે છે. પોલીસનુ કહેવુ છે કે મારામારી દરમ્યાન સીસીટીવી ફુટેજ મળશે તો તેની તપાસ કરવામાં આવશે. પોલીસે એ ઘટનાની પણ તપાસ કરશે કે દિલ્હીમાં એવી કઈ ઈમરજન્સીની સ્થિતિ પેદા થઈ કે રાત્રીના ૧૨ વાગ્યે બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્યોની હાજરીમાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી કરવામાં આવી હતી.