દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન

કચ્છ જિલ્લામાં વાહન થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બનતી સ્વ:સહાય જૂથની મહિલાઓ

જિલ્લા પંચાયત કચેરી ખાતે  આજ રોજ દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અબડાસા તાલુકાના બાલાપર ગામના બિસ્મિલ્લાહ સખી મંડળને આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત  રૂ.૨ લાખની વ્યાજ્વગરની વાહનસહાય અને તેમણે ઉમેરેલી રકમ દ્વારા ખરીદાએલ  TATA ACE (GOLD) વાહનને લીલીઝંડી આપી સખીમંડળને રોજગારી માટે પ્રસ્થાન કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માના હસ્તે આ વાહનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું  હતું. આ અંગે બિસ્મિલ્લાહ સખી મંડળના પ્રમુખ કુલસમબેનએ આ યોજનાથી મળેલ સહાયના કારણે અમે રોજગારી માટે વાહન ખરીદી શક્યા છીએ અને હવે માલ-સમાન હેરફેર દ્વારા નિયમિત રોજગારી મેળવી શકશું. તેમ વધુમાં જણાવ્યું હતું. આ વાહનને તેઓ ખેતીના કામકાજમાં વાપરીને રોજગારી મેળવશે. આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત મહિલા સ્વ:સહાય જૂથોને માલ-સામાન  અને પરિવહન તરીકે વાહન ખરીદીને આજીવિકા પૂરી પાડવાનો હેતુ છે. આ યોજના હેઠળ કચ્છ  જિલ્લાના અબડાસા તાલુકાના બાલાપર ગામના બિસ્મિલ્લાહ સખી મંડળ દ્વારા TATA ACE (GOLD) વાહનની ખરીદી કરવામાં આવી હતી. જેમાં આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ દ્વારા  નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન (NRLM) હેઠળ ગ્રામ સંગઠન મારફત સ્વ:સહાય જુથને રૂ.2,00,000 ની વગર વ્યાજની લોન ફાળવવામાં આવેલ છે બાકીની વાહનનીરકમ  સ્વ:સહાય જૂથ લોન કે જમા પુંજીથી ઉમેરે છે એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મેહુલ  જોશી જણાવે છે. આ પ્રસંગે સખી મંડળની બહેનોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આટીઝન કાર્ડ (પહેચાન પત્ર) આપવામાં આવેલ છે. જેથી હસ્તકલા સાથે કામ કરતી બહેનો પોતાની મજુર માંથી કારીગર તરીકેની ઓળખ ઉભી કરી શકે. જે પ્રતિક રૂપે અત્રેથી આપ્યા બાદ બાકીના આર્ટીઝન કાર્ડ મંડળના બહેનોને તાલુકા કક્ષાએથી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ  જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિ ઉજાગર થાય અને મહિલાઓ જુદા જુદા વ્યવસાય થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સ્વ:સહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને આજીવિકા સહકાર પૂરો પાડવા માટે દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે. જેમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ કચ્છ  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કચ્છ દ્વારા આ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તકે  જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂબેન કારા તથા મિશન મંગલમ યોજનાના જિલ્લા લાઇવલીહુડ મેનેજરશ્રી ભાવિન  સેંઘાણી, કર્મચારીગણ તેમજ સ્વ:સહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.