દાહોદમાં દંગલ : લોકોનો પથ્થરમારો : અજંપાભરી સ્થિતિ : પોલીસનો ચાંપતો બંદોબસ્ત

નવી દિલ્હી : દાહોદના જેસવાડા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો અને પોલીસે કરેલા ફાયરિંગમાં એકનું મોત થતા સ્થિતિ વણસી છે. હાલ દાહોદમાં અજંપાભરી સ્થિતિ છે. દાહોદની સરકારી હોસ્પિટલ પોલીસ છાવણીમાં બદલાયું છે.પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામનાર યુવકનું સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.DYSP, PI અને ઁPSI સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.બીજી તરફ દાહોદ પોલીસે ૪૦૦ લોકોના ટોળા સામે રાયોટીંગ, ખાનગી ફાયરિંગ, સરકાર કર્મચારીઓ પર હુમલો તથા સરકારી અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે. હાલ કોઈની ધરપકડ થઈ નથી. જે યુવકનું મોત પોલીસના મારથી થયું હોવાના આક્ષેપ થયા હતાં તે યુવકના મોત મામલે પોલીસે એડી દાખલ કરી છે.દાહોદ એલસીબી પોલીસ ચોરીમાં સંડોવાયેલા આરોપી નરેશ ગમારને પકડવા ચીલાકોટા ગામે ગઈ હતી. આરોપી ન મળતા પોલીસ અન્ય બે વ્યક્તિઓને પકડી સાથે લઈ ગઈ હતી. જે બાદ બંનેને માર મારી ઘરે છોડી ગઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત થતા પરિવારજનો રોષે ભરાયા હતા. અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ લખાવવા જેસવાડા પોલીસ સ્ટેશને ગયા હતા.અહીં પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો. અને પરિવારજનો મૃતકની લાશ લઈ પોલીસ સ્ટેશને ધસી ગયા હતા. ત્યારબાદ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અને ગાડીઓને આગ ચાંપી હતી. તે બાદ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક વ્યક્તિનું મોત થતા સ્થિતિ વણસી ગઈ હતી. આ હુમલામાં ડીવીયએસપી તેજસ પટેલને આંખના ભાગે ઈજા થઈ હતી. જ્યારે કે આઠ પોલીસકર્મીઓ પણ ઘવાયા છે.