દરગાહોમાં તોડફોડ, આગજનીના બનાવો મુદ્દે મુસ્લિમ આગેવાનો દ્વારા ભૂખ હડતાલ

અગાઉ વિશાળ રેલી યોજ્યા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર : ઉન્નાવ, કઠુઆ, સુરતની ઘટનાઓ વખોડીને ન્યાય માટે કરાશે રજુઆત

જુમ્મા સુધી ન્યાય નહી તો જલદ કાર્યક્રમો : ઈબ્રાહીમ હાલેપોત્ર
ભુજ : આજથી મુસ્લીમ સમાજ દ્વારા શરૂ થયેલ ભુખ હડતાલ બાદ જો આગામી શુક્રવાર સુધી પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં નહી આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે, આટલા સમયથી શાંતિપૂર્વક રજુઆતો અને રેલીઓ યોજાઈ છે. પરંતુ હવે મુસ્લીમ સમાજની ધીરજનો અંત આવ્યો છે. હજુ પણ તંત્ર પાસે ચાર દિવસ છે. જુમ્માના દિવસ સુધી પોલીસ આરોપીઓને પકડી પાડે અન્યથા મુસ્લીમ સમાજ રોડ પર ઉતરશે, ચક્કાજામ કરીને જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેવું ઈબ્રાહીમ હાલેપોત્રાએ ઉમેર્યું હતું.

 

જિજ્ઞેશ મેવાણી પણ આવતીકાલે આવશે કચ્છ
ભુજ : દરગાહો અને મઝારોમાં થતી તોડફોડ અને આગજનીના બનાવોને પગલે મુસ્લીમ સમાજ દ્વારા ભુખ હડતાલ શરૂ કરાઈ છે. ત્યારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મુસ્લીમોના સમર્થન માટે આવતીકાલે કચ્છમાં આવીને ઉપવાસ કરશે. અગાઉ તેમણે આપેલા કોલ પ્રમાણે મુસ્લીમોની લડતને સમર્થન કરશે. સામખિયાળી ટોલનાકે ભલે ચક્કાજામનો કાર્યક્રમ ન થયો. પરંતુ જો અનુસુચિત જાતિ દ્વારા આંદોલન થયું હોત તો મુસ્લીમ સમાજ તેમા સમર્થન કરવાનો હતો. ત્યારે મુસ્લીમોની લડતમાં જિજ્ઞેશ મેવાણી સહિતના સમર્થકો કચ્છ આવીને તેમની લડતમાં સાથ આપશે તેવું જિજ્ઞેશ મેવાણીએ ‘કચ્છઉદય’ સાથેની વાતમાં કહ્યું હતું.

 

ભુજ : કચ્છમાં મુસ્લીમ સમાજની દરગાહોમાં તોડફોડ અને મઝારોમાં આગજનીના બનાવો મુદ્દે આજે અનશન ભુખ હડતાલ શરૂ કરાઈ છે. સમસ્ત મુસ્લીમ સમાજ તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિ દ્વારા કલેકટર કચેરી સામે જ છાવણી નાખીને ન્યાય મેળવવા ભુખ હડતાલ શરૂ કરાઈ છે. મુસ્લીમોની દરગાહો અને મઝારોમાં થયેલ તોડફોડ તેમજ આગજનીના બનાવોમાં અગાઉ મુસ્લીમ સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજીને કલેકટરને તેમજ એસપીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરાઈ હતી અને ૧૭મી તારીખ સુધી આરોપીઓને ઝડપી પાડવા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી અને તેમ છતા આરોપીઓ ન ઝડપાતા મુસ્લીમ સમાજ તેમજ કચ્છ જિલ્લા સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ તમામ તાલુકા અને શહેરના હોદ્દેદારો અને મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા ભુખ હડતાલ શરૂ કરાઈ છે. શુક્રવાર સુધી પણ જો દરગાહોમાં થયેલ તોડફોડના આરોપીઓ નહી ઝડપાય તો જુમ્માની નમાઝ કલેકટર કચેરી સામે જ અદા કરવામાં આવશે. આ સાથે જ આવતીકાલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ તેમના સમર્થકો સાથે મુસ્લીમ સમાજ દ્વારા ચાલતી ભુખ હડતાલમાં જોડાશે. આ સાથે જ આવતીકાલે બપોરે ૧ વાગ્યે ઉન્નાવ, કઠુઆ અને સુરતની ઘટનાઓમાં બાળકીઓ ઉપર થયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાઓમાં ન્યાય મળે તે માટે કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ જાફર હાલેપોત્રાએ જણાવ્યું હતું. મુસ્લીમો દ્વારા આજથી શરૂ થયેલી ભુખ હડતાલમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા, ચાકી સમાજ કચ્છના પ્રમુખ આદમભાઈ ચાકી, જુશબશા જમનશા શેખ, માજી ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરા, આદમભાઈ પઢીયાર, સલીમ જત, આદમભાઈ લાંગાય, અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ જુમાભાઈ રાયમા, સૈયદ તકીશા બાવા, કાસમશા સૈયદ, ઈસ્માઈલ માંજોઠી, ઈકબાલ મંધરા, સતાર માંજોઠી, લતીફશા સૈયદ, સાલેમામદ પઢીયાર, ફકીરમામદ કુંભાર, હાસમ નોતિયાર, રમઝાન અલી, આમદ સુમરા, જુણસભાઈ હિંગોરજા, હમીદ ભટ્ટી, રજાકભાઈ હિંગોરા, નૂરમામદ હિંગોરા સહિત સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના તમામ તાલુકા અને શહેર પ્રમુખો, સમિતિના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં મુસ્લીમ આગેવાનો ઉપવાસ આંદોલન પર બેઠા હતા.