દયાપરમાંથી ૯.૩૦ લાખનો બેઝઓઈલનો જથ્થો પોલીસે કર્યો કબજે

પાંચ લાખના ટેન્કરમાંથી સફેજ જ્વલનશીલ પદાર્થનો ભેળસેળ યુક્ત ૧પ,પ૦૦ લિટર જથ્થો ઝડપાયો : રવાપર અને
પાનધ્રોના બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ

(ક્રાઈમ પ્રતિનિધિ)દયાપર : જિલ્લામાં બાયો ડિઝલ અને બેઈઝઓઈલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ઠેર-ઠેર ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થોનો વેપલો કરીને અસામાજિક તત્ત્વો કાયદાનો ભંગ કરી રહ્યા છે. તેની વચ્ચે દયાપર પોલીસે ૯.૩૦ લાખનો ૧પ,પ૦૦ લિટર સફેદ જ્વલનશીલ પદાર્થનો ભેળસેળ યુક્ત જથ્થો ઝડપી પાડ્યો છે.
દયાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ જનતાઘર હોટલ નજીકથી સંકાસ્પદ બેઝઓઈલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડીને જીજે૧ર-એયુ-૯૧૩ર નંબરના ટેન્કરમાંથી ૧પ,પ૦૦ લિટર સફેદ જ્વલનશીલ પદાર્થનો ભેળસેળ યુક્ત જથ્થો ઝડપી પડાયો હતો. કોઈ પણ પાસપરમીટ વીના કે આધાર-પુરાવા વિના ગેરકાયદેસર રીતે આ જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસે નખત્રાણા તાલુકાના રવાપર રહેતા ર૦ વર્ષિય જયેન્દ્રસિંહ જેઠુભા ગોહિલ તેમજ પાનધ્રોમાં નવાવાસમાં રહેતા ર૩ વર્ષિય કિશોરભાઈ રાયધણજી મક્વાણા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં પાંચ લાખના ટેન્કર સહિત ૧૪,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ પીએસઆઈ એમ.એ.ગેલોતે હાથ ધરી છે.