થાઇલેન્ડ ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવા દરમિયાન નેવી કમાન્ડોનું મોત

થાઇલેન્ડઃ ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો તેમજ તેમના ફૂટબોલ કોચને બચાવવા દરમિયાન અકસ્માત થયો છે. બચાવકાર્ય માટે પહોંચેલા એક નેવી સીલ કમાન્ડોનું મોત થઇ ગયું છે. જોકે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા લોકો પ્રતિકૂળ હવામાનનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ૨ દિવસ પછી ત્યાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે બાળકો ચિઆંગ રાય રાજ્યની થામ લુઆંગ ગુફામાં ફસાયેલા છે, જ્યાંથી બહાર આવવું અતિશય મુશ્કેલ છે કારણ કે ત્યાં ચારેબાજુ પાણી ફેલાયેલું છે. રસ્તો અતિશય સાંકડો છે, જ્યાં અંધારું અને કાદવ હોવાને કારણે બહાર આવવા માટે તેમને ખૂબ મહેનત કરવી પડશે. ભારતે પણ રાજ્ય સરકારને મદદ કરવાની રજૂઆત કરી છે.ચિઆંગ રાયના ગવર્નર નારોંગસાક ઓસોથાનકોર્ને ગુરૂવારે સવારે કહ્યું, “પહેલા અમારી સામે સમયને લઇને પડકાર હતો પરંતુ હવે હવામાન પડકાર બનીને સામે ઊભું છે.” ચિઆંગ રાય રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે પાણીનું લેવલ વધી શકે છે, જેનાથી થામ લુઆંગ ગુફા પરિસરમાં બાળકો માટે જોખમ વધી શકે છે.ચિઆંગ રાયમાં છેલ્લાં કેટલાંક દિવસોથી હવામાન શુષ્ક રહ્યું છે.
બચાવકર્તાઓ વિચારી રહ્યા છે કે આખા ગ્રુપને સુરક્ષિત બહાર કેવી રીતે કાઢવામાં આવે. નારોંગસાકના કહેવા પ્રમાણે, જો વરસાદ અટકી જાય તો શક્યતા છે કે ગ્રુપ થામ લુઆંગ ગુફા પરિસરમાંથી બહાર આવી શકે છે.ગુફાના પ્રવેશદ્વારથી લઇને જે સ્થળ પર બાળકો અને તેમનો કોચે શરણું લીધું છે, તે સ્થળ સુધી પહોંચવામાં ૧૧ કલાકનો સમય લાગે છે. તેમાં છ કલાક જવાના અને પાંચ કલાક પાછા ફરવાના લાગે છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, ગુરૂવાર સુધી લગભગ ૧૨૮ મિલિયન લીટર પાણીને પંપ દ્વારા બહાર કાઢવામાં આવ્યું.