થરાદ પોલીસે સ્મેક ડ્રગ્સની હેરાફેરી કરતા માતા-પુત્ર સહિત ત્રણને ઝડપ્યા

(જી.એન.એસ.)બનાસકાંઠા,પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેમાં આજે સરહદી વિસ્તાર થરાદ પાસેથી પોલીસે સ્મેક હેરોઇનની હેરાફેરી કરતા માતા પુત્ર સહિત ૩ લોકોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે.થરાદ પોલીસ આજે ભાભર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક સફેદ કલરની ડસ્ટર કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી હતી. આ કારની તલાસી લેતાં તેમાં એક મહિલા, તેનો પુત્ર સહિત ૩ લોકો ગાડીમાં સવાર હતા. જેમાં કારચાલકની તલાસી લેતાં તેની પાસેથી ૪૦.૮૭ ગ્રામ જેટલો સ્મેક હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે કડક પૂછપરછ કરતા તેને રાજસ્થાનના સાચોર ખાતે રહેતા રાકેશ બિશ્નોઇ પાસેથી આ ડ્રગ્સ લાવ્યું હોવાનું જણાવ્યું હતું.પોલીસે સ્મેક હેરોઈનનો જથ્થો, ડસ્ટર કાર સહીત કુલ ૯.૧૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ચારેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. જેમાં માતા-પુત્ર સહિત કુલ ત્રણ લોકોની અટકાયત કરી છે જ્યારે ડ્રગ્સ આપનાર રાજસ્થાની શખ્સની શોધખોળ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં પીનાબેન ચિનુભાઈ ભાટી, અશ્વિન ચિનુભાઈ ભાટી (બંને રહે. શ્રી નંદનગર, દિયોદર), નિકુલ રઘુભાઈ મકવાણા (રહે. મીઠા, ભાભર)નો સમાવેશ થાય છે. રાજસ્થાનના સાંચોરનો રહેવાસી રાકેશ બિશ્નોઈ ફરાર છે.