ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવો : અમેરીકાની પાક.ને સલાહ

વૉશિંગ્ટન : ત્રાસવાદી જૂથ પ્રત્યે કોઈ પણ પ્રકારનો દયાભાવ દાખવ્યા વિના
પગલાં ભરવાનું અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ગુરુવારે
પાકિસ્તાન લશ્કરના વડા જનરલ કમર જાદવે બાજવાને જણાવ્યું હતું. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓ પર પ્રવાસ કરવા સામે પ્રતિબંધ જાહેર કર્યા પછી પહેલી જ વાર આ ઉચ્ચ સ્તરની વાતચીત શકય બની છે. પોમ્પિઓએ બાજવા સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની ચર્ચામાં પાક-અમેરિકાના દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવા અંગે ચર્ચા થઈ હતી, એમ તેમના પ્રવકતાએ જણાવ્યું હતું. ‘તેમણે અમેરિકા – પાકિસ્તાનના દ્વિપક્ષી સંબંધો કઈ રીતે આગળ વધારાય એ અંગે ચર્ચા કરી હતી અને અફઘાનિસ્તાનમાં રાજકીય સુમેળ સાધવાની જરૂરિયાત પર તેમ જ દક્ષિણ એશિયામાંના ત્રાસવાદી અને અંતિમવાદી જૂથો પર દયાભાવ દાખવ્યા વિના ત્રાટકવાના મહત્ત્વ પર ચર્ચા કરી હતી એમ અમેરિકાના વિદેશ ખાતાના પ્રવકતા હીથર નૌરેટે જણાવ્યું હતું. અમેરિકા અને બીજા દેશો લાંબા સમયથી એવી ફરિયાદ કરી રહ્યા છે કે અફધાન તાલિબાન અને તેના સાથી હક્કાની નેટવર્કને પાકિસ્તાન સલામત જગ્યા પૂરી પાડી રહ્યું છે અને અફઘાનિસ્તાનમાં સરહદ પારથી હુમલા કરવાની તેમને પરવાનગી આપે છે.
પાકિસ્તાન આ આક્ષેપોને નકારી કાઢે છે, પણ ડૉનલ્ડ ટ્રમ્પે હોદ્દો સંભાળ્યો ત્યારથી જ તેમણે ઇસ્લામાબાદની ટીકા કરવાનું વધારી નાખ્યું છે. પાકિસ્તાને ગયા મહિને અમેરિકાના રાજદૂતોના પ્રવાસ પર પ્રતિબંધ મૂકયા હતા. અમેરિકાએ વૉશિંગ્ટનમાં આવેલી પાકિસ્તાની એલચી કચેરીમાં કામ કરનારા રાજદૂતોને અગાઉથી
પરવાનગી લીધા વગર પચીસ માઇલના વિસ્તારની બહાર પ્રવાસ કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો, તે જ દિવસે પાકિસ્તાનમાં આ પ્રકારનો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો.