ત્રગડી ગામે સોલ્ટ કંપનીની જોહુકમીથી ૨૫૦ માછીમાર પરિવારો પ્રભાવીત

માછીમારોના રોડની નખોદ વાળી નાખી : સોલ્ટ કંપનીની લીઝ અને તેના દબાણ માટે તંત્ર તપાસ કરેઃ રાણશી ગઢવી(મોટા ભાડીયા)

માંડવી : તાલુકાના ત્રગડી સીમવિસ્તારમાં આવેલ સોલ્ટ કંપનીની જોહુકમીથી માછીમારો માટે રાજ્ય સભા સાંસદ ની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવેલ માર્ગ છેલ્લા દસ વર્ષથી બંધ હાલતમાં પડયું છે અને કંપની દ્વારા નખોદ વાળી નાંખવામાં આવી છે. તેમજ માછીમારો માટે દરિયાકિનારાને મુખ્ય માર્ગથી જોડતો માર્ગ બનાવવામાં આવ્યું હતું તેના ઉપર પણ સોલ્ટ કંપની દ્વારા દબાણ કરી ૪૦થી ૫૦ ટન વજનની ગાડીઓ અહીંથી હંકારવા માં આવે છે જેથી માછીમારો માટેનો એક માત્ર માર્ગ ઉબડખાબડ બન્યું છે. સ્થાનિક માછીમારો ની રાવ મુજબ સોલ્ટ કંપની દ્વારા મૂળ લીઝ થી વધુ જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને ૫૦ થી ૬૦ એકર જેટલા વિસ્તારમાં ચેરીયાનો નિકંદન કરવામાં આવ્યું છે. નાના ભાડીયા થી તગડી નો નદીનું વહેણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેથી ત્યાં નિર્મિત ઉંડા ખાડામાં પશુઓ મરી રહ્યા હોવાની રાવ ઉઠી રહી છે. સ્થાનિક ગ્રામ પંચાયત સજાગ બની સંબંધિત સોલ્ટ કંપની ના લીઝ સંબંધે તેમજ ત્યાં કરવામાં આવેલા દબાણ અને ચેરીયાના નિકંદન બાબતે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો માંથી ઉઠી રહી છે.ગ્રામજનો અને માછીમારો દ્વારા વારંવારની રજૂઆત છતાં પણ કંપની કોઈ પણ દાદ ન આપતા ઉડાઉ જવાબ આપી રહ્યી હોવાની વાત આ વિસ્તારના અગ્રણી રાણશીભાઇ ગઢવી (મોટા ભાડીયા) એ કરી હતી અને કંપનીની જોહુકમીથી ૨૫૦ જેટલા માછીમાર પરિવારો પ્રભાવિત થયા હોવાનું જણાવી સંબંધિત કંપનીઓ ઉપર લેન્ડ ગ્રેબીંગ નો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરતા ઓવરલોડ વાહનો પસાર થાય છે તેના ઉપર પણ પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. અને માછીમારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.