-તો વાગડના લાખોના અનાજ કૌભાંડમાં થાય નવા કડાકા ભડાકા

તા. ૧૩-૧૧-ર૦૧૭ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બાતમી આધારે માર્યો હતો છાપો : આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયા બાદ આજદિન સુધી આરોપી નહીં પકડાતા અનેક તર્ક વિતર્કો થયા વહેતા : તપાસ ચાલુમાં હોવાનું જણાવતું એસઓજી

 

 

રાપર : તાલુકાના થોરીયારી ગામે પૂર્વ કચ્છ એસઓજીની ટીમે બાતમી આધારે એક મકાનમાં છાપો મારી ૪૭.૩૭ લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડયો હતો. પુરવઠા તંત્ર સહિતનાએ તપાસ કર્યા બાદ પોલીસે આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ આજદિન સુધી આરોપીની ધરપકડ નહીં થતા પોલીસ સામે પણ અનેક સવાલો ખડા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૩-૧૧-ર૦૧૭ના પૂર્વ કચ્છ એસ. પી. ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એસઓજીને મળેલ બાતમી આધારે થોરીયારી ગામે રહેતા મહેન્દ્ર રણછોડ સોનીના ભાડાના મકાનમાં છાપો મારી ૪૭,૩૭,૪૦૦/-નો શંકાસ્પદ જથ્થો પકડી પાડયો હતો. રેડ દરમ્યાન આરોપી ફરાર થઈ ગયો હતો. મોટા ભાગનો જથ્થો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોનો તેમજ મધ્યાહન ભોજન યોજનાનો હોવાનું ખુલવા પામ્યું હતું. ૪૭.૩૭ લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો પોલીસે પકડી પાડતા પુરવઠા તંત્રમાં પણ હડકંપ મચી જવા પામી હતી અને પુરવઠા તંત્ર તેમજ પોલીસ તંત્રે અલગ અલગ તપાસ કરી હતી. જથ્થો રાખનાર આરોપી મહેન્દ્ર સોની નહીં પકડાતા પોલીસે આરોપી સામે ૩૦-૧૧-ર૦૧૭ના આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ આડેસર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી અને તેની તપાસ એસઓજીએ સંભાળી હતી. આરોપી સામે ગુનો નોંધાયો તેને એક માસથી વધુ સમય વીતી ગયેલ છે પરંતુ હજુ સુધી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને કોઈ જ સફળતા મળી નથી.
તો વાગડ પંથકમાં રહેતા લોકોમાં ચર્ચાતી વાતો મુજબ વાગડમાં તો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબો માટે ફાળવવામાં આવતા ખાદ્ય ચીજવસ્તુઓ બારોબાર પગ કરી જતી હોય છે ત્યારે આ અનાજકાંડમાં પણ આરોપીને નહીં પકડવા પાછળ શેની શરમ નડે છે. લાખોના અનાજ કૌભાંડમાં નિષ્પક્ષ પણે તપાસ થાય તો અનેકના પગ નીચે રેલો આવી શકે તેમ છે.
આ બાબતે તપાસનીશ સહાયક ફોજદાર પૃથ્વીસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તપાસ ચાલુમાં હોવાનું અને આરોપીને વહેલી તકે પકડી પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું.