..તો ભુજમાં બપોર બાદથી સફાઈ કામગીરી થશે ઠપ્પ

જિલ્લા કલેકટરે હાથ ઉચા કર્યા હોવાનો સફાઈ કામદારોનો આક્ષેપ : નગરપાલિકામાં પણ જવાબદારોની ગેરહાજરીથી કામદારોમાં ફેલાયો રોષ

 

ભુજ : નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક સહિતના મુદ્દે સફાઈ કર્મચારીઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી વિરોધ ચલાવાઈ રહ્યો છે, તો ગઈકાલે આ મુદ્દે જિલ્લા સમાહર્તાને પણ આવેદનપત્ર પાઠવાયું હતું. જો કે આ મુદ્દે કલેકટરે હાથ ઉચા કર્યા હોવાનો કામદારોએ આક્ષેપ કરી આજ બપોરથી શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
કોન્ટ્રાકટરો દ્વારા સફાઈ કામદારોનું થતું શોષણ બંધ કરાવવું, લઘુતમ વેતન આપવું, સફાઈ કામદારોના રહેણાક માટેના પ્લોટ આપવાની માંગ સાથેના સફાઈ કામદારો દ્વારા કચ્છ કલેકટરને ગઈકાલે આવેદનપત્ર પાઠવાયું હતું. જો કે, આ પ્રશ્નનો નિરાકરણ ન થતા સફાઈ કામદારો દ્વારા આજ બપોર બાદથી શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ કરી દેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. નરેશ મહેશ્વરીએ વિગતો આપતા જણાવ્યું કે, ગઈકાલે કચ્છ કલેકટર દ્વારા ર૪ કલાકનો સમય મંગાયો હતો. જો કે આજે જયારે તેઓ સમક્ષ સફાઈ કામદારો પહોંચ્યા ત્યારે પગાર વધારા સહિતની માંગણી સંતોષવાની સત્તા સરકાર પાસે હોવા ઉપરાંત કોન્ટ્રાક પ્રથાનો મુદ્દો નગરપાલિકાનો હોઈ તેઓએ આ મુદ્દે હાથ ઉચા કરી લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે, નગરપાલિકા કચેરીમાં પણ પ્રમુખ, ચીફ ઓફિસર સહિતનાઓ ગેરહાજર હોઈ બપોર બાદથી શહેર સફાઈ કામગીરી ઠપ્પ કરી દેવામાં આવશે તેમજ જો કોન્ટ્રાકટરના માણસો દ્વારા સફાઈ કરાશે તો પ્રથમ તેઓ કામગીરી બંધ કરવા પ્રેમ પૂર્વક સમજાવવામાં આવશે અને ત્યારબાદ પણ જો તેઓ કામગીરી યથાવત રાખશે તો જો સ્થિતિ વણશે તેને જવાબદારી સફાઈ કામદારોની રહેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.