– તો ડોક્ટરોનું સાચું સન્માન થયું ગણાશે

અદાણી મેડિકલ કોલેજના ડિન અને પ્રાધ્યાપકોનો સંદેશ

ભુજ : કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર એ સંક્રમણની લડાઈના અસલી નાયક તો ચિકિત્સકો અને તબીબી જગતના તમામ કર્મચારીઓ જ છે. એટલે તેમનું સન્માન યોગ્ય રીતે થઈ રહ્યું છે, પરંતુ જાે સમાજના તમામ વર્ગોએ હવે પછીની કોઈપણ સંભવિત લહેરમાં કોરોનાથી બચવું હશે તો ગાઈડલાઇનનું પાલન ચુસ્ત રીતે કરશે તો ડોકટરોનું મોટું સન્માન થયું ગણાશે એમ અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોએ જણાવ્યુ હતું.

ભુજ મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન. ઘોષે કહ્યું કે, વિશ્વમાં અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ છે અને હજુ પણ નવા નવા પ્રારૂપ કોરોના બનાવે છે. એ તો આપણાં તબીબો અને પેરામેડિકલનું સાહસ અને સહયોગ હતો કે, તેમણે પોતાના પરિવાર અને જાતની પરવાહ કર્યા વગર લાગી ગયા અને હવે જે રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા ડેલ્ટાનો નિર્દેશ આપ્યો છે ત્યારે તબીબો પરત્વે આપણે આપણી જવાબદારી નિભાવી તમામ સુરક્ષાના નિયમોનું સખત પાલન કરીએ. દેશ-દુનિયા અને ગુજરાતમાં તબીબોએ કોરોનાના દર્દીની સેવા કરતાં પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આપણે પણ કટિબધ્ધ બનીએ કે હવે પછી એકપણ તબીબ જીવ ન ગુમાવે અને આપણે પણ સૂરક્ષિત રહીએ માટે જાતને સુરક્ષાના આંચળામાં ઓઢી આપણાં તરફથી તેમનું સાચું સન્માન કરીએ.

અન્ય પ્રાધ્યાપકોએ પણ જુદા જુદા સંદેશમાં જણાવ્યુ હતું કે, આપણે મનોમન દ્રઢ સંકલ્પ કરીએ કે, ડોકટરો તો પોતાની પૂરી કોશિશથી ફરજ બજાવે છે ત્યારે આપણે એક ભદ્ર સમાજના વ્યક્તિ તરીકે તબીબ સાથે કોઈ અનહોની થઈ જાય તો અભદ્ર વ્યવહાર ન થાય તે જાેઈએ. તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કે, ભારત પોતાની ક્ષમતાના સથવારે હવે પછી કોરોનાની લડાઈ જીતી જશે અને કોરોનાને બહાને ભારતમાં સ્વાસ્થ્યનો ઢાંચો મજબૂત બનશે. અને આવું થાય ત્યારે જ ડોકટરનું સાચું સન્માન કર્યું ગણાશે.