– તો કચ્છમાં નવા ઉદ્યોગોનું થાય આગમન : રોજગાર-આર્થિક મોરચે પુરાય નવો પ્રાણ.!

ફાજલ જમીનોને ટોકન દરે આપવાની અપનાવાય નીતિ

જંત્રી અને નવી – જુની શરતો થકી ઘણા ઉદ્યોગકારો નવી જમીન લેવાનું ટાળી રહ્યા છે, આવા સમયે કચ્છમાં પડેલી ફાજલ જમીનો જંત્રી નહીં પણ ટોકન દરે આપવામાં આવે તો જિલ્લાનો આર્થિક વિકાસ વધે : રોજગારી-ટ્રાફીક-આયાત-નિકાસ સહીતમાં થાય ઈજાફો

ગાંધીધામ : નોટબંધી-જીએસટી અને વૈશ્વીક મંદી બાદ કઈ બાકી રહેતુ હતુ તો કોરોનાની મહામારી આવી પહોચી અને ધંધા-રોજગાર અને ઉદ્યોગોની કેડ જ ભાંગી નાખી છે. કચ્છ પણ ભુકંપ બાદ ઔદ્યોગીક જિલ્લાની ઓળખ ધરાવતો પ્રદેશ હતો પણ આવા વ્રજઘાત થતા અનેક ઉદ્યોગોએ અહીથી સંકેલા કરી લીધા છે. ત્યારે હવે સરકાર દ્વારા કચ્છ જેવા છેવાડાના સરહદી વિસ્તારને ધમધમતો રાખવા અને અહીના અર્થતંત્રને વધુ ધકબતું કરવા કેટલીક નીતીઓને બાજુમાં મુકી અને નિર્ણયો લે તે જ સમયની માંગ બની રહી છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા કચ્છમાં હજારો એકરમાં સરકારી જમીનો આવેલી છે. ઘણી જમીનો વર્ષોથી પડતર પડી છે. તેનો કોઈ ઉપયોગ ન થવાથી આ જમીનો વર્ષોથી ફાજલ રહી છે. આવા સમયે ટોકન દરે જમીનો અપાય તો નવા ઉદ્યોગોનું આગમન થાય તેમ છે.જિલ્લામાં જંત્રી અને નવી – જુની શરતો થકી ઘણા ઉદ્યોગકારો નવી જમીન લેવાનું ટાળી રહ્યા છે, આવા સમયે કચ્છમાં પડેલી ફાજલ જમીનો જંત્રી નહીં પણ ટોકન દરે આપવામાં આવે તો રોજગારી અને આર્થિક મુવમેન્ટમાં વધારો થાય તેવી શકયતા વ્યક્ત કરાઈ છે. આ અંગે જાણકારોના જણાવ્યા મુજબ હાલમાં જમીન લેવી એટલે માથાના દુઃખવા રૂપ સરકારી કામગીરી બની રહી છે. કારણ કે જમીન જુની શરતમાંથી નવી ફેરવવી, જંત્રીના ભાવ નક્કી કરવા, લાખો રૂપિયા જંત્રી ચુકવ્યા બાદ જમીનનો ટુકડો મળે અને જો ધંધો ન હાલે તો ખર્ચ વ્યર્થ જાય. હાલના સંજોગોમાં લોકો રૂપિયા સાચવીને રોકાણ કરી રહ્યા છે. ત્યારે આર્થિક બેકારી અને મંદીના માહોલમાં અર્થતંત્રને ફરી બેઠું કરવું હોય તો સરકારે કચ્છમાં ટેક્સ હોલિડે આપવો જોઈએ તેવો મત પણ વ્યક્ત કરાયો છે. જંત્રીના દરને સાઈડમાં મુકી ટોકન દરે જમીન અપાય તો ઉદ્યોગ અને ફેકટરીનું ડેવલોપમેન્ટ થઈ શકે તેમ છે. ઉદ્યોગો આવશે તો રોજગારી આવશે, ટ્રાફિક વધશે, આયાત નિકાસ વધશે, ફાજલ જમીનોનો ઉપયોગ થશે જેથી મંદ પડેલા અર્થતંત્રમાં તેજીના પ્રાણવાયુ ફુકાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.