– તો કંડલાની તસ્કર તરખાટ મયુર ગેંગના પૈસાની લેતી-દેતીના ખુલશે વધુ કારનામા

  • રીમાન્ડ દરમ્યાન લ્યો કડકમાં કડક પુછાણા

સોયા-ખોળ પ્રકરણમાં પૂર્વ કચ્છ પોલીસે મયુર નામના શખ્સને દબોચી-રીમાન્ડ મંજુર કરાવ્યા છે : હવે રીમાન્ડ દરમ્યાન મયુરની ઉલટતપાસ થાય તો તેના સાગરીતો, નેટવર્કના સાથીઓ, ભ્રષ્ટ અમુક ખાખીધારીઓ સહિતનાઓ સુધી પહોંચે રેલો :મયુર કોણે-કોને પૈસા આપતો હતો તે સહિતનાઓના ચહેરા થાય બેનકાબ

આઈજીશ્રી અને એસપીશ્રી મયુરના ખુદ કડક પુછાણા લે, જાત તપાસ કરે તો પૂર્વ કચ્છમાં સાહેબોના નામે કયા વચેટીયાઓ મેળ કરી જતા હતા, પૈસા લઈ જતા હતા, તે સહિતનો મોટાપાયે થાય ખુલાસો

માત્ર સોયા-ખોળ જ નહી પણ કંડલામાં જે કાંઈ પણ તસ્કરી-ચોરીચપાટીઓ થાય છે તે તમામનો મુખ્ય સુત્રધાર મયુર જ હોવાથી કઈક પ્રકારના રહસ્ય પરથી ખુલે પડદો : મયુર કયા કયા ગોડાઉનમાં માલ સંગ્રહતો હતો, ચોરાઉ વસ્તુ ખરીદનારા ભંગારના વાડાવાળાઓ કોણ હતા ?

ગાંધીધામ : કંડલાથી નેધરલેન્ડ મોકલવાના સોયા-ખોળના ર૦૦ટનથી વધુના જથ્થાને સગેવગે કરવામાં અંજારના મયુર નામના શખ્સને પોલીસે જડપી લીધો છે. મયુર આણી ટોળકી કંડલામાં મોટાપાયે દાદાગીરી પૂર્વક અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી-તસ્કરી-લુંટ ચલાવી રહી હોવાની વિગતો ગાંધીનગર ગૃહવિભાગ સુધી પહોચતા ત્યાથી સીધા જ આદેશો છુટતા અંતે મયુરને ઝડપી લેવામા આવ્યો છે ત્યારે હવે જાણકારો કહે છે કે, મયુર પકડાઈ ગયો છે, તેના રીમાન્ડ પણ મંજુર થઈ ગયા છે, હવે રીમાન્ડ દરમ્યાન પોલીસ આ મયુરના કડકમાં કડક પુછાણા લે તે પણ એટલુ જ જરૂરી છે. જો આમ કરવામાં આવશે તો મયુર ગેંગના વધુ કેટલાક મસમોટા કારનામાઓ ખુલવા પામી શકે તેમ છે. ઉપરાંત મયુર કોને કોને પેસા આપીને આ પ્રકારના ગોરખધંધાઓ કાયદાના ખૌફ વિના જ આચરતો હતો તેવા ચહેરાઓ પણ સામે આવવા પામી શકે તેમ હોવાનું પણ જાણકારો માની રહ્યા છે.આ સંદર્ભે જાગૃત અને જાણકાર વર્ગ કહે છે કે, આઈજીશ્રી અને ડીએસપીશ્રી મયુરની જાતે જ તપાસ કરાવે કે તેની પાછળ કોણ અને કોને કેટલા નાણા આપતો હતો. તથા કયા કયા સાહેબોના નામે કોણ કેટલા લઈ જતા હતા?તથા વાસ્તવિકતામાં સાહેબોને મળતા હતા કેટલા? આ બધુ જ બહાર આવી શકે તેમ છે. સાહેબોના નામે મેળવાતા નાણા સાહેબાને કેટલા મળતા હતા અને વચેટીયાઓ કેટલા મેળ કરી જતા હતા તે બધા ભેદ બાર આવી શકે.પરંતુ હવે આ જહેમત લે કોણ? બધાના હાથ કાળા જ છે ને…!ઉપરાંત આ અંગે વધુમાં જાણકારો કહી રહ્યા છે કે રીમાન્ડમાં જો મયુરના કડકમાં કડક પુછાણા થવા પામશે તો તે કોને કોને પૈસા આપતો હતો? કયા કયા પલળેલા ખાખીધારીઓ તેની સાથે સંડોવાયેલા હતા? મયુરની ટોળકીમાં ગેંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે? અન્ય કઈ કઈ ચીજવસ્તુઓની ચોરી-તસ્કરી આ મયુર આણી ટોળકી કરે છે? તે અને તેના સહિતના અનેકવીધ સવાલોના જવાબો મળવા ઉપરાંત કઈક કાળા ધંધાથીઓના ચહેરા પણ બેનકાબ થવા પામી જશે. મયુર ટોળકીના તસ્કર તરખાટના પગલે અહી ધંધો કરી રહેલા પ્રમાણિક વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે તેઓને પણ આ ટોળકી સાણસામાં આવતા રાહત થવા પામી શકે તેમ છે.મયુરના ધંધાઓ લાંબા સમયથી ચાલી રહ્યા છે અને તે ખાખીધારીની રહેમનજર વિના ચલાવવા સંભવ નથી તે પણ એકને એક બે જેવી વાત છે. એટલે મયુર માત્રને પકડી લેવાથી આ ધંધાઓ બંધ નહી થાય પણ મયુરની સાથે તેને મદદગારી કરનારી આખીય ભ્રષ્ટ સિન્ડીકેટને તોડવી જરૂરી બની રહી છે.