તોલાણી પોલિટેકનિકના પ્રોફેસર અને ભાગીદારો સાથે ૪૦ લાખની ઠગાઈ

કેરીના બગીચાનો ઠેકો રાખ્યા બાદ ફાર્મ માલિકે તૈયાર પાક અન્યને ઉતારવા આપી દીધો : પૈસાની માંગણી કરાતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ધોકા – ધારીયા વડે કરી મારામારી

ગાંધીધામ : આદિપુરની તોલાણી ફાઉન્ડેશન પોલીટેકનીક કોલેજમાં સિવિલ ઈન્જીનીયરીંગના પ્રોફેસર અને તેના ભાગીદાર તેમજ પરિવારજનોને માર મારવામાં આવ્યો હતો. પ્રોફેસરે તેના ભાગીદાર સાથે કેરીના બગીચામાં પાકનો ઠેકો રાખ્યો હતો. જેમાં તેની સાથે ૪૦ લાખની ઠગાઈ થતા રૂપિયા પરત માગતા હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ નામજોગ અને અન્ય છ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અનિલભાઈ કનૈયાલાલ બેલાણીએ આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે અનિરૂદ્ધસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહના કૌટુંબીક ભાઈ, ચોકીદાર રાજુ યાદવ, સહેલો તેમજ અન્ય છ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તોલાણી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ફરિયાદી અનિલભાઈએ તેમના મિત્ર કનૈયાલાલ ચંદનાની અને શાંતિલાલ સાથે મળીને આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજાના લુણવા ગામની સીમમાં આવેલા કેરીના બગીચામાં પાક ઉતારવાનો ઠેકો રાખ્યો હતો. ૪૦ લાખમાં તૈયાર પાક ઉતારવા અંગેના સાટા કરાર કરાયા હતા. જે પૈકી ૧૦ લાખની રકમ એડવાન્સમાં અપાઈ હતી. જયારે અન્ય ૩૦ લાખ પાક ઉતારતી વખતે આપવાનું નક્કી થયું હતું. તેમ છતાં આરોપી પૃથ્વીરાજસિંહના કહેવાથી ફરિયાદી અને તેના ભાગીદારોએ વધારાની ૩૦ લાખની રકમ પણ ચુકવી દીધી હતી. પરંતુ પાક તૈયાર થઈ ગયા બાદ આરોપીએ સાટા કરારનો ભંગ કરી તૈયાર પાક ઉતારવા માટે બગીચાનો ઠેકો અન્ય કોઈને આપી દીધો હતો. આમ ફરિયાદી સાથે ૪૦ લાખની વિશ્વાસઘાત ઠગાઈ આચરાઈ હતી. આ રકમ પરત મેળવવા માટે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં આરોપીએ પૃથ્વીરાજસિંહે ફરિયાદી અનિલભાઈને ૩૦ લાખ તેમજ કનૈયાલાલ અને શાંતિલાલ પાંચ – પાંચ લાખના ચેક આપ્યા હતા. જે બેંકમાં જમા કરાવતા એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. ત્યાર બાદ ફરિયાદી અને તેના ભાગીદારના પુત્રો ઉઘરાણી માટે ગયા હતા. તે દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં આરોપી પૃથ્વીરાજસિંહે ફરિયાદી અનિલભાઈને નાણા પરત લઈ જવા માટે બોલાવ્યા હતા અને તેમના પુત્રોને પણ સાથે લાવવા જણાવ્યું હતું. ફરિયાદી તેમના ભાગીદારો અને પુત્રો મળીને નવ જણા આરોપી પાસેથી રૂપિયા લેવા ગયા હતા, તે દરમ્યાન આરોપીઓએ લાકડાના ધોકા અને ધારીયા વડે મારામારી કરી હતી. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ જી.કે. વહુનીયાએ આગળની તપાસ હાથ ધરી છે.