તેરાના તલાટીના બેજવાબદાર વર્તનથી વહીવટીતંત્ર શરમમાં મૂકાયું

જૈન મહાજન દ્વારા કોવિડ સેન્ટર માટે વિનામૂલ્યે સંકુલ અને અન્ય વ્યવસ્થા કરાઈ પણ ગાદલા જેવી સામાન્ય બાબતે વિવાદ સર્જાતા કચ્છના કલેક્ટરને થઈ ફરિયાદ

નલિયા : તેરાના તલાટીના બેજવાબદાર વર્તનથી વહીવટીતંત્રને શરમમાં મુકાવા સાથે કચ્છના કલેક્ટરને ફરીયાદ થતા વિવાદ સર્જાયો છે.તેરાના પ્રવિણભાઈ નારાણજી દંડે સોશીયલ મીડીયામાં કલેક્ટરશ્રીને કરેલી ફરીયાદનો સંદેશો વાયરલ કરતા જણાવ્યું હતું કે તેરા ખાતે જૈન મહાજનના સંકુલમાં કોવીડ સેન્ટર માટે તમામ સગવડો વિનામુલ્યે આપવામાં આવી હતી.તેમ છતા ગાદલા જેવી સામાન્ય બાબતને લઈ અન્ય સહયોગી દાતાના નામે ગાદલા મેળવી તેની પબ્લીસીટી કરાઈ હતી જેનાથી નારાજ થઈ ફરીયાદ પ્રવિણભાઈ દંડ દ્વારા કચ્છના કલેક્ટરશ્રીને કરવામાં આવી હતી.આ ફરીયાદ અંગે તલાટીશ્રી ચેતનસિંહ જાડેજાને પુછતા તેમણે ઉડાઉ જવાબ આપતા થોડા સમય પછી ફોન કરો તેવા જવાબો આપ્યા હતા.આ અંગે અબડાસા તાલુકા વિકાસ અધિકારી જે.પી.ગોરને પુછતા તેમણે આ અંગે તલાટીશ્રી પાસેથી વિગતો મેળવવામાં આવી રહી હવાનું જણાવ્યું હતું.કલેક્ટરશ્રીને થયેલી ફરીયાદ અંગે અબડાસા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવતને પુછતા તેમણે આવી કોઈ ફરીયાદ હજુ સુધી તેમને મળી નથી, પરંતુ કલેક્ટરશ્રીને કરાયેલ ફરીયાદની નકલ મળે તપાસ કરાશે તેમ જણાવ્યું હતું.આમ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન વગર થયેલા તેરા તલાટીના બેજવાબદાર વર્તનથી વહીવટીતંત્ર દ્વારા કોવીડ અંગે અબડાસામાં થઈ રહેલી ઉત્તમ કામગીરીની સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ઘટના અને તે પણ ગાદલા જેવી સામાન્ય બાબતે થતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.