તુર્કીમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ૨૪ના મોત : ૩૦૦થી વધુ ઘાયલ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રવિવારે નોર્થવેસ્ટર્ન તુર્કીમાં થયેલી રેલ દુર્ઘટનામાં ૨૪ લોકોનાં મોત થયા છે. ગ્રીક અને બુલ્ગારિયા બોર્ડરના એડીર્ન વિસ્તારથી રાજધાની ઇસ્તાનબુલના હલ્કાલી સ્ટેશન તરફ જઇ રહેલી આ ટ્રેનને ટેકિરડાગ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ટ્રેનના ૬ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં ૩૩૮ પેસેન્જર્સ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાંથી ૧૨૪ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ટ્રેનમાં કુલ ૩૬૨ લોકો સવાર હતા.ઘટનાસ્થળે સરકાર તરફથી ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સ ઘાયલોને સારવાર અર્થે લઇ જવા માટે મોકલવામાં આવી છે. આ સાથે જ તુર્કી સૈન્યએ રાહત અને બચાવ કાર્ય માટે હેલિકોપ્ટર મોકલવાની પણ વાત કહી છે. ટેકિરડાગના ગવર્નર મેહમેટ સિયાલેને એક મીડિયા ચેનલને કહ્યું કે, ઘાયલોની સંખ્યા વધારે છે.