તુણા બંદરેથી ભરાયેલો ૭.પ૬ લાખનો કોલસો બારોબારો સગેવગે

બે ટ્રકના ચાલકો સહિત ત્રણ શખ્સો સામે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : વાહનોમાં મોકલાતા મુદ્દામાલને સગેવગે કરીને વિશ્વાસઘાત – ઠગાઈના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેવામાં અંજારના તુણા અદાણી પોર્ટ પરથી યુએસ કોલસો ભરીને નિકળેલી બે ટ્રકના ચાલક – ક્લિનરોએ બારોબાર કોલસાનો જથ્થો સગેવગે કરી ટ્રાન્સપોર્ટરને ૭.પ૬ લાખનો ચુનો ચોપડયો હતો. બનાવને પગલે કંડલા મરીન પોલીસ મથકે વિશ્વાસઘાત – ઠગાઈનો ગુનો નોંધાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જીગ્નેશકુમાર નવીનચંદ્ર ગોસલીયાએ આરોપી દિલબાગસિંગ રૂદલા, નાનુરામ યાદવ અને બદ્રી મોહનલાલ ગોદારા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. બનાવની વિગતો મુજબ આરોપી ટ્રક ચાલકો અને ક્લિનર તુણા બંદરેથી આર.જે.૧૪.જી.ઈ.૮પર૮ અને આર.જે.પર.જી.એ.પ૪૪૬ નંબરની ટ્રકમાં યુએસ કોલસો ભરીને નિકળ્યા હતા. રૂપિયા ૭,પ૬,૪૮૩/-ની કિંમતનો અંદાજે ૭૮.૦ર૦ મેટ્રીક ટન યુએસ કોલસો ભરીને નિયત સ્થળે પહોંચતો કરવાને બદલે બારોબાર સગેવગે કરી વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હતી. બનાવને પગલે ટ્રાન્સપોર્ટરે કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.