તારાપુર પાસે કાળમુખો અકસ્માત : લાશોના ચીથરાં ઉડયા : ૧૦ના કમકમાટીભર્યા મોત

  • સીએમ રૂપાણીએ વ્યકત કરી સંવેદના : મદદની આપી ધરપત

સુરતથી ભાવનગર જતા પરિવારને તારાપુર પાસે અકસ્માત : ઈકોકાર-ટ્રક વચ્ચે અથડામણ : જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા : ગૃહમંત્રી અમિત શાહે ૫ણ પાઠવી શ્રદ્ધાંજલી

ઇકો કાર અડધી થઇ ગઇ : ઇકો કારમાં એક બાજુ લાશોનો થઈ ગયો ઢગલો : ક્ષતવિક્ષત હાલતમાં ઇકો કારમાં લોહીથી લથપથ પડી હતી લાશો : અંધારામાં બન્ને વાહનો અથડાયા : અકસ્માત બાદ બંને બાજુ ટ્રાફિકજામ

ગાંધીનગર : આણંદ જિલ્લાના તારાપુર નજીકના ઇન્દ્રણજ ગામ પાસે આજે સવારે ૬.૩૦ વાગ્યે સુરતથી ભાવનગર જઇ રહેલા પરિવારથી ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક સહિત ૧૦ના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરત રહેતા પરિવારજનો ઇકો કાર (નં. જીજે૧૦ ટીવી-૦૪૦૯) માં ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે તારાપુરના ઇન્દ્રણજ ગામ પાસે ટ્રક (નં. એમપી-૦૯એચએફ-૯૬૪૨) વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત ૧૦ વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં લાશોના ચીથરા ઉડી ગયા હતા. ક્ષતવિક્ષત હાલતમાં ઈકો કારમાં લાશો પડી હતી. આ અકસ્માતના દ્રશ્ય જોનાર લોકોના મન વિચલિત કરી દેવી ઘટના હતી. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને ઈકો કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.
પોલીસે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ દુર્ઘટના સર્જાયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી દુર્ધટનામાં ભોગ બનેલા મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કારમાં સવાર ૧૦ લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના સંદર્ભે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ દુખ વ્યકત કર્યુ છે અને મૃતકોના પરીવારજનોને મદદરૂપ થવાની ધરપત આપી છે.