તારાચંદભાઈ છેડા : કચ્છની સેવાકીય પ્રવૃત્તિઓ માટે એક મિશાલ

આજીવન સેવાના ભેખધારી તારાચંદભાઈ છેડાએ સેવા હી સાધનાના સૂત્રને જીવનમાં ઉતારી કર્યો ચરિતાર્થ :
દીન-દુઃખિયા તેમજ અબોલ જીવોની સુશ્રૂષાને જીવન મંત્ર બનાવનાર તારાચંદભાઈ છેડાનો આજે ૭૧મો જન્મ દિવસ

ભુજ : કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા કચ્છના પનોતા પુત્ર તારાચંદભાઈ જગશીભાઈ છેડાના નામથી કચ્છમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. વિવિધ સેવાકીય કાર્યો કરતી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન કે પછી અબોલ જીવો માટે કાર્યરત શ્રી સર્વ સેવા સંઘ હોય કે આરોગ્ય લક્ષી કામગીરી કરતી સર્વ સેવા સંઘ સંચાલિત મસ્કા ખાતેની એન્કરવાલા જનરલ હોસ્પિટલ હોય આ તમામ સંસ્થાઓ માટે કચ્છના લોકોના જીભે ફકત તારાચંદભાઈનું નામ જ સર્વે સર્વા છે.તારાચંદ ભાઈના નેતૃત્વવાળી સંસ્થા ક.વિ.ઓ. દ્વારા તબીબી સેવા ક્ષેત્રે કાયમી ધોરણે હોમિયોપેથી અને આયુર્વેદિક દવાખાનુ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન પેથલેબ, એક્સ-રે, દંત વિભાગ, મેડિકલ સ્ટોર ઉપરાંત મુંબઈ- અમદાવાદના સુપર સ્પેશિયાલીસ ડોકટર્સ દ્વારા વિવિધ રોગ નિદાન કેમ્પ અને જરૂર પડ્યે મોંઘાદાટ ઓપરેશન પણ ગોઠવી આપવામાં આવે છે. એની વિશ્વસનીયતા દર્શાવતા એક દ્રષ્ટાંત પુરતો છે કે જરૂરિયાતમંદ દર્દીની ઓળખ, બિમારીનો પ્રકાર, ઓપરેશનના ખર્ચની માહિતી સાથેની અખબારી અપીલ વાંચતા જ માત્ર એક કે બે દિવસમાં કરૂણા હૃદયથી સખી દાતાઓ સામે ચાલીને યથાશક્તિ યોગદાન આપી જઈને રકમની પૂર્તતા કરી આપે છે. મહાજન પણ હવે દાન ન મોકલવા વિનંતીનો અખબારી પ્રતિસાદ મોકલી કૃતજ્ઞતા અનુભવે છે. કોઈ પણ જ્ઞાતિની દિકરી પરણાવવા અસમર્થ માવિત્રોની વહારે ધાઈ ‘મહાજનનું મામેરૂં’ યોજના અંતર્ગત દિકરીઓના વાજતે – ગાજતે લગ્ન કરાવી આપે છે અને મામેરૂં રૂપે રૂા. ૧૧ હજારનો ચેક કન્યાને આપે છે.તેમના જ નેતૃત્વની અન્ય સંસ્થા સર્વ સેવા સંઘ ભુજ દ્વારા કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે નેત્ર દિપક કામગીરી કરાઈ છે. કચ્છમાં અવાર નવાર દુષ્કાળ અને અછતની સ્થિતિ સર્જાતી રહે છે. તારાચંદભાઈ છેડાએ એવી પરિસ્થિતિમાં કચ્છના પશુધનને ઉગારવાની અપ્રિતમ કામગીરી કરી છે.

વર્ષ ૧૯૮પ થી ૧૯૮૮માં ભયંકર દુષ્કાળ સમયે કચ્છના ગામડે – ગામડે નિરણ કેન્દ્રો ખોલી કચ્છના મહામૂલા એવા ૭પ હજાર જેટલા પશુધનને બચાવવાની કામગીરી કરી. રોગચાળાની સ્થિતિમાંં દૂર-દરારના ગામોમાં તબીબી કેમ્પો યોજી લોકોને મદદરૂપ બનતા રહ્યા છે. કચ્છમાં જ્યારે મેલેરિયાનો ઉપદ્રવ વકર્યો હતો ત્યારે ‘માંગો ત્યાં મેડિકલ કેમ્પ’ એ સૂત્ર વહેતું કરી સમગ્ર કચ્છમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં સંખ્યાબંધ કેમ્પોનું આયોજન કરી હજારો દર્દીઓને રાહત પહોંચાડી.કચ્છમાં અછતના ઓળા સમયે કચ્છની ધીંગી ધરાના ધીંગા માણસોનું મનોબળ જાળવી રાખ્યું હતું. સુચારૂં અસરકારક આયોજન કરવામાં નિપૂણ એવા તારાચંદભાઈ છેડા રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક, અભિયાનોનું પરિણામલક્ષી સચોટ આયોજન કરતા રહ્યા છે. સંગઠનન કાર્યક્રમોને સફળ બનાવવા તેમની કૂનેહ સહાયભૂત થતી રહે છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તરેલા તેમના સેવા કાર્યોએ તેમને અપ્રિતમ લોકપ્રિયતા બક્ષી છે.કોરોનાની બીજી લહેરે માનવ જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું હતું અને કચ્છમાં પણ બીજી લહેરે માથું ઉંચકતા લોકો ગભરાઈ ગયા હતા. આવા સમયે પશ્ચિમ કચ્છમાં જી.કે. જનરલ હોસ્પિટલ બાદ બીજા નંબરની કોવિડ હોસ્પિટલની વાત કરીએ તો એ છે સર્વ સેવા સંઘ સંચાલિત એન્કરવાલા હોસ્પિટલ મસ્કા. કોરોનાની બીજી લહેરમાં પશ્ચિમ કચ્છના લોકો માટે આ હોસ્પિટલ વરદાનરૂપ સાબિત થઈ હતી. કારણ કે, અહીં દાખલ થનારા મોટા ભાગના દર્દી સાજા થઈ પરત પોતાના ઘરે ફર્યા હતા. આ હોસ્પિટલમાં ૧પ૦ બેડની સુવિધા, ઓક્સિજનના ૬૮, વેન્ટિલેટરના ૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. આ હોસ્પિટલમાં મલ્ટી સિસ્ટમ ધરાવતા વેન્ટીલેટર અને બાયપેપ મશીનની પણ સુવિધા કરાઈ હતી. સંસ્થાના મોભી તારાચંદભાઈ છેડાના સીધા માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે અને હોસ્પિટલમાં ખૂટતી કડીઓ નિવારવા અને લોકોને મદદરૂપ બનવા સતત પ્રયાસો કર્યા હતા. બીજી લહેરમાં આ હોસ્પિટલમાંથી અંદાજે ૭૦૦ જેટલા દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. માંડવી, મુંદરા, અબડાસા, નખત્રાણા, લખપત અને ભુજમાંથી પણ દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા હતા અને અહીંના તબીબોની સેવાકીય કામગીરી અને મેનેજમેન્ટ જોઈ દર્દીઓ અને તેમના સ્વજનો ખુશ થયા હતા. આ હોસ્પિટલ સરકારના સહયોગથી ચલાવાઈ હતી, પરંતુ સમગ્ર મેનેજમેન્ટ સર્વ સેવા સંઘ દ્વારા કરાયું હતું. તમામ મેડિકલ સ્ટાફ દિવસ-રાત જોયા વગર દર્દીઓની સેવામાં લાગી ગયા હતા અને ખાસ વાત તો એ છે કે અહીં ફરજ બજાવતા તમામ સ્ટાફને દર્દીઓના સગાઓએ ભગવાન તરીકે માન્યા હતા. ખેતીપ્રધાન વિસ્તારમાંથી આવતા દર્દી કે તેમના સગા એકયા બીજી રીતે ખેતી સાથે સંકળાયેલા હોવાથી ડિસ્ચાર્જ થયા બાદ હોસ્પિટલનું ઋણ ચૂકવવા અનેરી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. ધરતીપુત્રો તેમજ વાડી માલિકો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે મોસંબી, શક્કરટેટી સહિતના ફળ-ફ્રુટ ગાડીને ભરીને મોકલ્યા હતા.આ ઉપરાંત કચ્છના કોઈ પણ પ્રાણ પ્રશ્નો હોય સત્તામાં હોય કે, ન હોય ઉકેલવા હંમેશા તત્પર રહેતા તારાચંદભાઈની ‘ઈચ્છા શક્તિનો અભાવ’ની વાત કચ્છના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. સ્પષ્ટ વકતા તથા સાચું કહેવાની નૈતિકતા દાખવનારા તારાચંદભાઈ કચ્છને નર્મદાના નીર માટે હંમેશા એક યોદ્ધાની માફક લડતા રહ્યા છે.છેલ્લા ૪૦ વર્ષથી ભુજમાં રહેવા આવ્યા ત્યારથી શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ અને શ્રી ક.વિ.ઓ. જૈન મહાજન ભુજના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સત્તામાં હોય કે ન હોય, દુષ્કાળ હોય, ભૂકંપ હોય કે પછી અતિવૃષ્ટિ હોય, આરોગ્ય સેવા હોય કે માનવ સેવા હોય કે જીવદયા સેવા હોય, મહાજનનું મામેરૂં હોય કે માવિત્ર આશિર્વાદ યોજના હોય, એન્કરવાલા હોસ્પિટલને સજીવન કરવી હોય કે કરૂણાધામ પશુ હોસ્પિટલ હોય કે મેકરણદાદાના જીણોદ્વારમાં સહયોગ કરવો હોય, પરમ પૂજય મોરારી બાપુની કે પરમ પૂજય રમેશભાઈ ઓઝાની કથા હોય, અછતના કપરા સમયમાં ગુજરાતમાં મંત્રી મંડળમાં હતા, ત્યારે અને અત્યારે પણ અછત સમિતિમાં જોરદાર રજૂઆત કરી કચ્છના મહામુલા પશુધનને બચાવવા માટે ખડીર જેવા છેવાડાના વિસ્તારમાં નિરણ કેન્દ્રો ચાલુ રાખવા અને કોરોના મહામારીથી રક્ષણ મેળવવા સમગ્ર કચ્છ જિલ્લામાં ૧ લાખથી વધુ માસ્કનું વિનામૂલ્યે વિતરણ અને કચ્છના છેવાડાના ખડીરથી લખપત સુધી જરૂરતમંદ લોકોને રાશનકીટનું વિતરણ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.
દિવસ-રાત જોયા વગર કચ્છીઓના હિત માટે તારાચંદભાઈ છેડા સદાય અગ્રેસર રહી સરકારમાં રજૂઆતો કરે છે, જેની ફળશ્રુતિ પણ કચ્છીઓએ જોઈ છે. છેડા પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિમાંથી જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને રાજકારણીઓ ઘડો લઈ લોકોની સેવા કરે તે જરૂરી છે. આજીવન સેવાના ભેખધારી તારાચંદભાઈ છેડાએ સેવા હી સાધનાના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. દીન-દુઃખિયા તેમજ અબોલ જીવોની સેવા-સુશ્રૂષાને જીવનમંત્ર બનાવી અન્યોને પણ પ્રેરણા આપી છે.૧૪મી જુલાઈ ૧૯પ૧માં જન્મેલા તારાચંદભાઈની આજે ૭૧મી વર્ષગાંઠ છે. તેમની ખુમારી, જુસ્સો તથા કચ્છ પ્રત્યેનો પ્રેમ આજે પણ ભારોભાર છલકે છે. આવનારા સમયમાં પણ તેઓ કચ્છના પ્રશ્નોને વાચા આપતા રહે તેવી તેમના જન્મદિને શુભકામના.

તારાચંદભાઈ જગશીભાઈ છેડાના જીવનની આછેરી ઝલક

• તરૂણવયથી ભારતીય જનતા પક્ષ સાથે સંલગ્ન રહી રાજકારણ અને સેવાક્ષેત્રે કાર્યરત. ૧૯૭પમાં મુંદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા. કાર્યક્ષેત્ર વિસ્તારી તાલુકામાંથી જિલ્લા સ્તરે પદાર્પણ કર્યું અને ૧૯૮૦-૮પ દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે રહ્યા.
• ૧૯૮પથી ૯૦ દરમ્યાન જિલ્લા પંચાયતમાં વિપક્ષીનેતા પદે રહ્યા.
• ૧૯૯૦માં અબડાસા ધારાસભ્પ પદે ચૂંટાઈ ૧૯૯પ સુધી છેવાડાના પ્રદેશની સમસ્યાઓ ઉકેલવા સાથે પક્ષનું નેટવર્ક મજબૂત બનાવવા કાર્ય કર્યું
• વર્ષ ર૦૧રથી ર૦૧૭ સુધી માંડવીના ધારાસભ્ય પદે ચુંટાયા હતા અને નમક કુટીર ઉદ્યોગ અને ગૌસંવર્ધનના રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
• ૧૯૯૦માં જિલ્લા ભાજપના પ્રમુખ પદે આવી ૧૯૯૪ સુધી સંગઠનને જિલ્લામાં વ્યવસ્થીત કરવા અભિયાન આદર્યું
• સપ્ટેમ્બર- ર૦૦પમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો
• રાજકારણ અને સેવાક્ષેત્રે એક સિક્કાની બે બાજુ છે એવું માનતા શ્રી છેડા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.
• શ્રી સર્વ સેવા સંઘ ભુજ પશુ અને માનવસેવા ક્ષેત્રે કાર્યરત જિલ્લાની અગ્રણી સંસ્થા છે તેના તેઓ પ્રમુખ છે.
• તબીબીક્ષેત્રે ઉત્કૃષ્ટ બદલ વર્ષ – ર૦૦૩ માટે રાજ્ય સરકારશ્રી તરફથી શ્રી છેડાને એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્ષ ર૦૦૯માં આચાર્ય ભગવંત પ.પૂ. કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી ‘જૈન શાસન રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વર્ષ ર૦૧૦માં કચ્છ કાંડાગરા જૈન મહાજન તરફથી ‘કચ્છ કેસરી’નો એવોર્ડ એનાયત કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી.
• શ્રી કચ્છી વિસા ઓશવાળ જૈન મહાજનના તેઓ અધ્યક્ષ છે આ સંસ્થા સાર્વજનિક સેવાકાર્યો – ખાસ કરીને તબીબી સેવા ક્ષેત્રે મહત્વની ભૂમિકાઅદા કરી રહી છે તથા જીવદયા ક્ષેત્રે સેવા કરતી સંસ્થા શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળની સાથે સંકળાયેલા છે.
• કાંડાગરા જીવદયા સેવા ટ્રસ્ટ, પશુસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે તેઓ તેના ટ્રસ્ટી છે. ભૂકંપગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે કાર્યરત શ્રી ક.વિ.ઓ. કો.ઓપ. હાઉસીંગ સોસાયટી લી.ના તેઓ પ્રમુખ છે. કચ્છી વિશા ઓશવાળ જૈન સંઘના તેઓ ચેરમેન છે. શ્રી મેકરણદાદા નવનિર્માણ જીર્ણોદ્વાર સમિતિના તેઓ સંયોજક છે.
• કચ્છમાં અવાર નવાર દુકાળ અને અછતની સ્થિતિ સર્જાતી રહે છે. શ્રી તારાચંદ છેડાએ એવી પરિસ્થિતિમાં કચ્છના પશુધનને ઉગારવાની અપ્રતિત કામગીરી કરી છે. વર્ષ ૧૯૮પમાં ભયંકર દુષ્કાળ સમયે કચ્છના ગામડે ગામડે નિરણ કેન્દ્રો ખોલી કચ્છના મહામુલા એવા ૭પ,૦૦૦ જેટલા પશુધનને બચાવવાની કામગીરી કરી. રોગચાળાની સ્થિતિમાં દુર દરારના ગામોમાં તબીબી કેમ્પો યોજી લોકોને મદદરૂપ બનતા રહે છે. કચ્છમાં જયારે મેલેરિયાનો ઉપદ્રવ વકર્યો હતો. ત્યારે ‘માંગો ત્યાં મેડિકલ કેમ્પ’એ સુત્ર વહેતું કરી સમગ્ર કચ્છમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં સંખ્યાબંધ કેમ્પોનું આયોજન કરી હજારો દર્દીઓને રાહત પહોંચાડી.
• અતિવૃષ્ટિ અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે લોકોના આંસુ લુછવા દોડી જનારા શ્રી તારાચંદભાઈ છેડાએ ર૦૦૧ના વિનાશક ભૂકંપ સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને કચ્છી વિશા ઓશવાળ મહાજનનું સંકલન સાધી અસરગ્રસ્તોને ગૌરવ અને સ્વમાનભેર ભોજન મળી રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવી અને અંદાજે પાંચ લાખ લોકોએ તેનો લાભ લીધો.
• ભૂકંપમાં બેઘર બનાવેલા લોકોના પુનઃવર્સન માટે વિવિધ સંસ્થાઓને પ્રેરી તેમનો સહયોગ પ્રાપ્ત કરી શ્રી તારાચંદભાઈ છેડાએ દુરસુદુરના ગામોમાં ગ્રામજનોની આવશ્યકતા મુજબના મકાનોના નિર્માણનું કાર્ય હાથ ધર્યું અને ર૬૦૦ જેટલા મકાનો બહુ ટૂંકાગાળમાં ઉભા કર્યા.
• હાલમાં ભુજ ખાતે રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર, મુંદરામાં જી.એમ.ડી.સી. મેડિકલ ચેકઅપ સેન્ટર, માંડવી તાલુકામાં મુકામ મસ્કા મધ્યે ૧૦૦ પથારીની ક્ષમતાવાળી એન્કરવાલા જનરલ હોસ્પિટલ તથા લખપત તાલુકાના માતાનામઢ ખાતે મા આશાપુરા આરોગ્ય ધામનુ સંચાલન સંભાળી રહ્યા છે.