(જી.એન.એસ)મુંબઈ,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. તે સમયે નટુકાકા ૧૩ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં ૮ ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રેડિયેશનના ૩૦ તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને તે માટે કિમોથેરાપી ફરી એકવાર કરવી પડશે, તેમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.ઘનશ્યામ નાયકની ઉંમર ૭૬ વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી. આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.કિમો સેશનની વચ્ચે ઘનશ્યામ નાયકે દમણ જઈને ટીવી સિરિયલ ’તારક મહેતા…’નું શૂટિંગ કર્યું હતું. ઘનશ્યામ નાયક દીકરા વિકાસ સાથે અહીંયા શૂટિંગ માટે આવ્યા હતા. આ દરમિયાન શ્યામ પારેખ (પત્રકાર પોપટલાલ)નો જન્મદિવસ સેટ પર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સેટ પર નટુકાકા માટે અલગથી કેક પણ મગાવવામાં આવી હતી. સેટ પર તમામે નટુકાકાની તબિયત જલ્દીથી સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરી હતી. નટુકાકાના હજી બે કિમો સેશન બાકી છે.