તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરો કોરોનાની રસી મૂકાવે : મુફ્તિ-એ-કચ્છ

ભુજ : કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ચાલતા રસીકરણને વેગ આપવા માટે મુફ્તિએ કચ્છ દ્વારા રસી મૂકાવવાનો સંદેશ આપ્યો હતો. મુફ્તિ-એ-કચ્છ સૈયદ અહેમશા બાવાએ સર્વે હિન્દુ મુસ્લિમોને સંદેશ પાઠવતા કહ્યુ હતુ કે, હાલ વકરી રહેલી કોરોના મહામારીને કારણે સરકારશ્રીએ રસીકરણની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે હું મુફ્તિ-એ-કચ્છ તરીકે સર્વે હિન્દુ-મુસ્લિમ બિરાદરોને અપીલ કરૂ છુ કે, રસી વધુમાં વધુ સંખ્યામાં બધા લે, અને તંત્રને સહયોગ કરે. તેમજ હાલમાં ચાલી રહેલા રમજાન મહિનાને કારણે જે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે, તેઓ પણ સાંજે રોજાની ઈફ્તારી કર્યા પછી રસી મુકાવે, તો જે લોકો રોજા ન રાખતા હોય તેઓ દિવસે ગમે તે સમયે રસીકરણ કેન્દ્રો પર પહોચીને રસી મૂકાવે તેવી અપીલ કરૂ છુ. મુફ્તિ-એ-કચ્છ દ્વારા કરાયેલી અપીલને પગલે સૌ મુસ્લિમ બિરાદરો રસી મૂકાવે અને કોરોના સામે લડાઈમાં જોડાય તેવો ભાવ અન્ય મુસ્લિમ આગેવાનોએ પણ વ્યક્ત કર્યો હતો.