તબીબી જગતમાં પડદા પાછળના કસબીઓ : કોરોનામાં અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ તબીબોએ આપી ઑકસિ. થેરાપી જ્યારે ઓપરેશન થિયેટરમાં વાલીની ભૂમિકામાં

ભુજ : ફિઝિશિયન શરીરની બીમારીનું નિદાન કરી સારવાર કરે છે. સર્જન ઓપરેશન કરે છે. આ રીતે અનેક તબીબોના કામથી દર્દીઓ સીધા પરિચયમાં હોય છે. અથવા તેમના કામથી જાણીતા હોય છે. પરંતુ, કેટલાક ડોક્ટર્સ એવા છે જેમની ભૂમિકા તબીબી જગતમાં પડદા પાછળના હીરો જેવી હોય છે. આ તબીબો એટલે એનેસ્થેટિસ્ટ (ઓપરેશન દરમિયાન દર્દીને બેભાન કરનાર) તેમની ઉપસ્થિતિ હોય તો જ સર્જરી શક્ય બને છે. અને કોરોનામાં તેઓ ઑક્સીજન થેરાપી આપે છે.
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર્સ માત્ર ઓપરેશન દરમિયાન જ નહીં પણ કોરોનાકાળમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ એવા તબીબી સૂત્રધારો છે કે, જે પાયલોટ યાત્રીઓથી ભરેલા વિમાનને રન-વે ઉપર લાવી નિર્ધારિત હવાઇપટ્ટી ઉપર સલામત રીતે ઉતારવાની ફરજ બજાવે છે. એ કામ આ વિભાગના ડોકટર્સનું છે. ભલે સર્જન વાઢકાપ કરીને દર્દીઓને સાજા કરે છે. પણ ઓપરેશન થિયેટરમા ટેબલ ઉપર બેભાન અવસ્થામાં સૂતેલા દર્દીના ખરા અર્થમાં વાલીઓ તો એનેસ્થેટિસ્ટ ડોક્ટર્સ જ હોય છે. જેઓ વિશેષ ઉપકરણો, મશીનો તથા દવાની મદદથી દર્દીને સર્જરી પહેલા બેહોશ કરવા એટલું જ નહીં, પરંતુ જ્યાં સુધી ઓપરેશન ચાલે ત્યાં સુધી હૃદય, હૃદયની ધડકન, બીપી, કિડની અને ચેતાતંત્રનું નિયમન કરે છે. શરીરના પ્રત્યેક અંગની સતત સંભાળ રાખે છે. એટલે જ તેમને પડદા પાછળના કસબીઓ કહે છે. એમ એનેસ્થેટિક વિભાગના વડા ડો. મંદાકિની ઠક્કરે જણાવ્યું હતું. આ જ પ્રકારે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ વિભાગના તબીબોએ કોરોનાની બંને લહેરમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. અહી તેમનું કામ ઓક્સિજન થેરાપીનું છે. સામાન્ય રીતે કોરોનાના દર્દી માટે ફિઝિશિયન અને નર્સિંગ સ્ટાફ જ નજરે પડે છે, પરંતુ દર્દીને કેટલી માત્રામાં ઓક્સિજનની જરૂર છે. તે મુજબ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે છે. આમેય તેઓ આઈસીયુના પ્રમુખ સંચાલક હોય છે. કોરોનાના કયા પ્રકારના દર્દીને બાયપેપ, હાઇફ્લો કે વેન્ટિલેટર ઉપર મૂકવાની ફરજ હોસ્પિટલના આ વિભાગના તબીબો બજાવે છે. આ તબીબોમાં ડો. જલદીપ પટેલ, અને ડો. નિરાલી ત્રિવેદીએ સતત બંને લહેરમાં સુપેરે કામ કર્યું ઉપરાંત ડો. પૂજા ફૂમાકિયા અને ડો. ખ્યાતિ મકવાણાએ પણ ફરજ બજાવી પરંતુ યોગદાન આપ્યું હતું.