તંત્રના સઘન પ્રયાસોથી અબડાસામાં ૧૭ રાહતદરના ઘાસ ડેપો શરૂ

તાલુકા કોંગ્રેસ દ્વારા ડેપો શરૂ થવાથી સંતોષ વ્યક્ત કરી નિયમિતરૂપે ઘાસ પુરવઠો આપવાની કરાઈ અપીલ

નલિયા : અબડાસામાં ઘાસ ડેપો શરૂ કરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાયેલા નલીયા મામલતદાર કચેરીને તાળાબંધીના પ્રયાસ બાદ વહીવટીતંત્રના સઘન પ્રયાસોથી અબડાસામાં ૧૭ રાહતદરના ઘાસ ડેપો શરૂ થવાથી તાલુકા કોંગ્રેસ દ્વારા સંતોષ વ્યક્ત કરી નિયમિત ઘાસ પુરવઠો આપવાની માંગ અપીલ તંત્રને કરાઈ છે.
અબડાસામાં અછત જેવી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીશ્રી દ્વારા ર રૂપિયે કીલો ઘાસ પશુઓ માટે આપવાની જાહેરાત બાદ તાલુકામાં પુરતા ઘાસ ડેપોના અભાવે લોકોની થતી હાલાકીની કોંગ્રેસ દ્વારા તાજેતરમાં રજુઆત કરાઈ હતી અને ૮ દિવસમાં તાલુકામાં પુરતા ઘાસ ડેપો શરૂ ન થાય તો નલીયાની મામલતદાર કચેરીને તાળાબંધીની જાહેરાત કરાઈ હતી જેના પગલે કચ્છના કલેક્ટરશ્રી રેમ્યા મોહન અને સ્થાનિક મહેસુલ તંત્રના નાયબ કલેક્ટરશ્રી ઝાલા તથા નલીયા મામલતદારશ્રી પુજારા દ્વારા સઘન પ્રયાસો કરવામાુ આવતા ગઈકાલે જુના ૪ હતા ત્યારબાદ શરૂ કરાયેલા ૬ અને ગઈકાલે નવા ૭ ઘાસ ડેપો શરૂ કરવાના સત્તાવાર હુકમો કરી ડેપો મેનેજરોની નિમણુંક કરવામાં આવી હતી.કોંગ્રેસ અગ્રણીઓ માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, જી.પં.સભ્ય હાજી તકીશા બાવા, તા.પં.વિપક્ષી નેતા અબ્દુલ્લાભાઈ ગજણ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી જામભા સોઢા સહિતના પ્રતિનિધીઓએ ગઈકાલે મામલતદારશ્રીની રૂબરૂ મુલાકાત લઈ ઘાસ ડેપો શરૂ કરવા માટે કલેક્ટરશ્રી અને સ્થાનિક તંત્રની કામગીરી માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.તમામ ૧૭ ડેપો પર પુરતા પ્રમાણમાં ઘાસ વિતરણ માટે ફાળવવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.તાલુકામાં કુલ્લ ૮૧ર૯ ઘાસ કાર્ડ ઈસ્યુ થયા છે તે પૈકી ૩રર૩ કાર્ડધારકોને કુલ્લ ૩રર૩૪પ કીલોગ્રામ ઘાસ ગઈકાલ સુધી વિતરીત કરાયું હતું.૪૯૯૬ કાર્ડધારકોને આજ દિન સુધી એક વખત પણ ઘાસ મળેલ નથી.અબડાસાની દૈનિક જરૂરીયાત ૧૬પપ૮૦ કી.ગ્રામની છે જે સામે હાલ ૧પ હજાર કી.ગ્રામ દૈનિક પુરવઠો મળી રહ્યો છે તેમાં વધારો કરવા જામભા સોઢાએ આંકડાકીય માહીતી આપતા જણાવ્યું હતું.
સાંજે તાલુકાની ૯ પાંજરાપોળના પ્રતિનિધીઓ સાથે બેઠક મામલતદારશ્રી પુજારાના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી જેમાં પાંજરાપોળ સંચાલકોને લખપતના પ્રાગપર ડેપોથી ફાળવાયેલ ૬પ હજાર કીલોગ્રામ ગૌશાળા માટેના ઘાસની ત્યાંથી ડીલીવરી તેમના ખર્ચે લેવાની જાણ કરાઈ હતી.
સંચાલકો દ્વારા ખર્ચ વધી જવાની રજુઆત કરાઈ ત્યારે કલેક્ટરશ્રીના હુકમ મુજબ અન્ય કોઈ વિકલ્પ ન હોવાની મામલતદારશ્રી દ્વારા ચોખવટ કરાઈ હતી.કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ – રાતાતળાવ સંચાલિત સંતશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ વતી હાજર રહેલા કનુભાઈ બાવાજી દ્વારા સંસ્થા વતી આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં આગામી તા.૨૪ ઓગષ્ટ સુધી પાંજરાપોળો માટે ઘાસની વ્યવસ્થા ન થાય તો આમરણાંત ઉપવાસ નલીયાની મામલતદાર કચેરી સામે કરવામાં આવશે તેવી રજુઆત કરાઈ હતી.
આમ મુખ્યમંત્રીશ્રીની જાહેરાત બાદ ધીમી ગતીએ હવે અબડાસામાં રાહતદરના ઘાસની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે પણ જથ્થો પુરતા પ્રમાણમાં ન આવતા ડેપો ઉપર વિતરણમાં રોજની માથાકુટો થાય છે અને અમુક ડેપો ઉપર પોલીસ બંદોબસ્ત સાથે ઘાસ વિતરણ કરવું પડે છે તેવી સ્થિતિ સર્જાઈ હોઈ તાત્કાલિક પુરતા પ્રમાણમાં જથ્થો મળે અને નિયમિત વિતરણ થાય તેવી માંગ તાલુકામાં ઉઠી રહી છે.