ડ્રેગન ફ્રૂટને સમગ્ર દેશમાં કમલમ ફ્રૂટ તરીકે ઓળખ આપો

0
image description

કચ્છમાં કમલમ ફ્રૂટની ખેતી કરતા ધરતીપુત્રોએ ભુજમાં યોજી પત્રકાર પરિષદ : સાંસદ વિનોદભાઈ ચાવડા રહ્યા ઉપસ્થિત

ભુજ : શક્તિ વર્ધક તેમજ રોગ પ્રતિકારક શક્તિથી ભરપૂર કમલમ ફ્રૂટની કચ્છમાં મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવી રહી છે. આ ફ્રૂટની નશલ વિદેશી છે અને તેની ડ્રેગન ફ્રૂટના નામે આયાત કરવામાં આવે છે. કચ્છના ધરતીપુત્રો પ્રારંભથી જ આ ફળને કમલમ ફ્રૂટ તરીકે ઓળખાવે છે. ત્યારે સમગ્ર દેશમાં હવે ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે ઓળખ અપાવવા કચ્છમાં કમલમ ફ્રૂટની ખેતી કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ભુજના ઉમેદભુવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં કમલમ ફ્રૂટની ખેતી કરનારા ધરતીપુત્રોએ સાંસદ મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત પણ કરી હતી. જેમાં ડ્રેગન ફ્રૂટનો સમગ્ર દેશમાં કમલમ ફ્રૂટ તરીકે ઓળખ અપાવવા માંગ કરાઈ હતી. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં કચ્છની ડ્રેગન ફ્રૂટની ખેતીનો ઉલ્લેખ કરી કચ્છના ધરતીપુત્રોની પ્રશંસા કરી હતી. લોકલ ટુ વોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનના સૂત્રને કમલમ ફ્રૂટની ખેતીમાં પણ સાર્થક કરવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાલે દેશમાં પ્રતિ વર્ષે ૧પ હજાર ટન કમલમ ફ્રૂટની આયાત કરવામાં આવે છે ત્યારે આગામી બે વર્ષ બાદ દેશમાંથી કમલમ ફ્રૂટની નિકાસ થાય તેવી પ્રગતી સાધવાની વાત પણ ઉચ્ચારાઈ હતી. આ પત્રકાર પરિષદમાં આશાપુરા હોટ્રીકલ્ચર ફાર્મના હરીશ ઠક્કર, પીંડોરીયા ફાર્મના સામજી પીંડોરીયા, પટેલ ફાર્મના ગોવિંદભાઈ, બાપા દયાળુ ફાર્મના વર્ધન ઠક્કર, વિશ્વ ફાર્મના લખમશીભાઈ, આશાપુરા ફાર્મના બટુકસિંહ જાડેજા, જેઠવા ફાર્મના ગીતાબેન જેઠવા, શ્રીહરી ફાર્મના ભીમજીભાઈ, વાસુપુજ્ય ફાર્મના મહેન્દ્રભાઈ, નેચરલ ફાર્મના મનજીભાઈ, ધોળુ ફાર્મ, કાદીયા ફાર્મના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.