ડોકલામ વિવાદ પર જાપાનનો ભારતને ટેકો ચીનને ઝટકો

નવી દિલ્હી : ચીનની સાથે જોવા મળી રહેલાં ડોકલામ વિવાદ પર જાપાને ભારતને સમર્થન આપ્યું છે. જાપાને કહ્યું છે કે કોઈએ બળપૂર્વક વિસ્તારની યથાસ્થિતિમાં ફેરફાર કરવાની કોશિશ કરવી જોઈએ નહીં.સિક્કિમ સેક્ટરમાં ભૂતાન ટ્રાઈ જંકશન પાસે ચીન એક રસ્તાનું નિર્માણ કરવા માંગે છે. ભારત અને ભૂતાન તેનો વિરોધ કરી રહ્યાં છે. લગભગ બે મહિનાથી વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને છે.સિક્કિમ સેકટરમાં ભૂતાનના ટ્રાઈ જંકશનની પાસે ચીન એક માર્ગ બનાવવા માગે છે. ભારત અને ભૂતાન તેનો વિરોધ કરી રહ્યું છે.આ ઉપરાંત, જાપાનના ભારત ખાતેના રાજદૂત કેનજી હિરામાત્સુએ આ મુદ્દે જાપાનના વલણને સ્પષ્ટ કર્યુ છે. કેનજી ભૂતાનમાં પણ જાપાનના રાજદૂત છે. ખાસ વાત એ છે કે, સપ્ટેમ્બરમાં જાપાનના વડાપ્રધાન શિંજો આબે ભારત આવવાના છે અને આ અગાઉ જાપાને ડોકલામ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે.સ્થાનિક માધ્યમોના અહેવાલો મુજબ હિરામાત્સુએ સ્પષ્ટપણે કહ્યું છે કે, ડોકલામ, ભૂતાન અને ચીન વચ્ચેનો વિવાદાસ્પદ વિસ્તાર છે અને બે દેશો વચ્ચે સરહદ વિવાદ પર વાત ચાલી રહી છે. જાપાને પણ જાણે છે કે ભારતની ભૂતાન સાથે સંધિ છે જેના કારણે ભારતના સૈનિકો વિસ્તારમાં તૈનાત છે.જાપાન પહેલાં અમેરિકાએ પણ ડોકલામ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. અમેરિકાએ કહ્યું છે કે ભારત-ચીનને ડોકલામ વિવાદના ઉકેલ માટે વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ. અમેરિકાએ જમીન પર એકતરફી બદલાવને લઈને ચીનને સતર્ક પણ કર્યુ હતું. અમેરિકાના આ વલણથી સ્પષ્ટ થાય છે કે તેઓ ભારતના વલણને ટેકો આપી રહ્યાં છે.