ડોકલામ બાદ લડાખ પર ચીનનો ડોળો

નવી દિલ્હી : ડોકલામ બાદ ચીનની સેના હવે લડાખ ક્ષેત્ર પર હોવાની વાત પણ સામે આવી છે. તેની સાથે જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું મેકમોહન રેખા પર સવાલ ઉઠાવીને ભારત અને ચીનની સરહદને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ બનાવનાર ચીનની સેના વિવાદીત બોર્ડર પર કોઈ નવું ઉમ્બાડિયું કરવાની વેતરણમાં છે? ભૂતકાળની ચીનની હરકતો જાણીને ભારતે એલએસી પર સૈન્ય ચોકસાઈ અને તૈયારીઓમાં વધારો કરવાની પણ જરૂર હોવાનું જાણકારો માની રહ્યા છે.
ડોકલામ વિવાદ બાદ હવે જમ્મુ-કાશ્મીરના લડાખ વિસ્તારમાં પણ ચીનની સેના પોતાની ગતિવિધિઓમાં વધારો કરવા લાગી છે. ચીને તિબેટમાં સેનાના જમાવડામાં પણ વધારો કર્યો છે. તેને કારણે સીમાવર્તી વિસ્તારોમાં તણાવ વધી ગયો છે. ૨૦૧૭માં જમ્મુ-કાશ્મીરના લડાખ વિસ્તારમાં ચીનની સેના તરફથી ઘૂસણખોરીની ઘણી વખત કોશિશ કરવામાં આવી હતી અને ૨૦૧૮માં હવે ચીન દ્વારા પોતાની સૈન્ય શક્તિમાં વધારાની કરાયેલી શરૂઆતથી સરહદી શાંતિને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે.
લડાખના સીમાવર્તી વિસ્તારમાં રહેતા લોકોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ચીનની સેનાની વધતી હરકતોને જોઈને પણ ભારત સરકાર તરફથી કંઈપણ કરાઈ રહ્યું નથી. ચીનની હરકતો સામે આંખ આડા કાન કરતા હોવાનો પણ દાવો કરાયો છે. સ્થાનિક લોકો ભારત સરકારના વલણથી બેહદ નારાજ છે. તેમનું કહેવું છે કે ભારત અને ચીનની સરહદે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પડોશી દેશની હરકતનો જવાબ આપવાના સ્થાને પોતાના વિસ્તારમાં પશુ લઈને લોકોને જતા રોકવામાં આવે છે.
લડાખ ઓટોનોમસ હિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ કેન્દ્રમાં સત્તારુઢ ભાજપની રાજકીય સાથીદાર છે. તેના મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર ઈએસએસ ક્રિસ્ટોફર પણ માને છે કે કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલયે આ મામલા પર વિશેષ પગલા ઉઠાવવા જોઈએ. ચીન સતત સીમાવર્તી વિસ્તારોમાં ઘણાં સરકારી કામકાજને રોકીને દાદાગીરી કરતું રહે છે. ભારતની વિરુદ્ધ ચીનની ગતિવિધિઓ ગત કેટલાક વર્ષોથી વધી ગઈ છે. ચીનની કોશિશ છે કે ભારતને ચારે તરફથી ઘેરવામાં આવે અને ભારતીય ક્ષેત્રોને પોતાના કબજામાં લેવામાં આવે.