ડેલ્ટા વેરિયેન્ટના વધતાં કેસોને પગલે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બે સપ્તાહનું લોકડાઉન

(જી.એન.એસ.)સિડની,કોરોના વાઇરસ સામે જંગ જીતી ચૂકેલા દેશોમાં ફરી એક વાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. વાઇરસના વધુ સંક્રમિત ડેલ્ટા વેરિયેન્ટના વધતા કેસોને કારણે ફરીથી લોકડાઉન લગાવવું પડ્યું છે. સામાન્ય સ્થિતિ તરફ ફરી ચૂકેલા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં શનિવારથી બે સપ્તાહ માટે લોકડાઉન લગાડવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે અને એનો પ્રસાર અટકાવવા માટે અહીં બે સપ્તાહ સખત લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને આકરાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. સિડનીમાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના અત્યાર સુધી ૮૦ કેસો નોંધાયા છે.સિડની શહેરની ૧૦ લાખથી વધુ વસતિ હાલ લોકડાઉનમાં છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે લોકડાઉન લગાવવું જરૂર હતું, કેમ કે શહેરમાં ડેલ્ટા વેરિયેન્ટના કેસો ઝડપથી વધી રહ્યા હતા.કોરોનાને કાબૂ કરવામાં ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી આગળ હતું. અહીં સરહદો બંધ કરીને શારીરિક અંતરનું પાલન કરવા અને કોરોનાના અન્ય નિયમોનું પાલન સખતાઈથી કરવામાં આવી રહ્યું હતું. એને કારણે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી સંક્રમણના કુલ ૩૦,૪૦૦ કેસ અને માત્ર ૯૧૦ મોત થયાં છે.ઇઝરાયલએ પણ કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટના પ્રસારને જોતાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનો નિયમ ફરી લાગુ કર્યો છે. ઇઝરાયલમાં ૮૫ ટકા વસતિનું રસીકરણ થઈ ચૂક્યું છે.ફિજીમાં એપ્રિલ સુધી એક પણ કેસ નહીં મળ્યા પછી સંક્રમણના કેસ વધવા લાગ્યા છે અને ગુરુવારે અહીં ૩૦૦ નવા કેસ નોંધાયા છે. એનું કારણ ડેલ્ટા વેરિયેન્ટ બતાવવામાં આવ્યું છે.