ડેડરવાની સીમમાં ખાનગી કંપનીના કર્મચારી પર હુમલો કરીને લૂંટ

રાપર : તાલુકાના ડેડરવા ગામની સીમમાં આવેલ અદાણી પપ્રાઈવેટ લિમિટેડ કંપનીના ૭૬પ કેવી વીજ લાઈનના સાઈટ સુપરવાઈઝર પર હુમલો કરીને લૂંટ ચલાવાતા આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. નવેક શખ્સોએ ધાક ધમકી અને મારામારી કરીને લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ રતિલાલ જુગલ મહંતોએ આડેસર પોલીસ મથકે સામત વેલા ખોડ, લગધીર કાના ખોડ (રહે. બન્ને ચિત્રોડ, તા.રાપર) તેમજ તેમની સાથેના અજાણ્યા સાતેક ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી તેમજ સાહેદો ડેડરવા ગામે આવેલ ૭૬પ કેવીની ટ્રાન્સમીશન લાઈનની સાઈટ પર હતા, તે દરમ્યાન આરોપી સામત અને લગધીર સહિતના અન્ય આરોપીઓ બે કારમાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ સાહેદોને સાઈટ પરનું કામ બંધ કરવાનું કહી ભૂંડી ગાળો આપી મારામારી કરી હતી. ફરિયાદીના શર્ટના ખીસ્સામાં રાખેલા રોકડા રૂા. ૪ હજાર લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે આડેસર પોલીસ મથકે ગુનો નોધાતા પીએસઆઈ વાય. કે. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.