ડુમરા-હાલાપરની ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયા : બેની ધરપકડ

હાલાપરના બે શખ્સોને કોઠારા પોલીસે ઝડપી લઈ પુછતાછ કરતા હાલાપરની ૧.ર૦ લાખની ઘરફોડ તથા ડુમરામાં ગેરેજમાં થયેલી ચોરી કબુલી

ભુજ : અબડાસા તાલુકાના ડુમરા તથા માંડવી તાલુકાના હાલાપર ગામે થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ડુમરાની ગેરેજ સહિત બે ચોરીના ભેદ ઉકેલી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા તથા એએસપી રવિ તેજા વાસમ શેટ્ટી, સીપીઆઈ એમ.આર. ગામેતીના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી ગુનાઓને શોધી કાઢવા કોઠારા પીએસઆઈ એસ.એ. મહેડુ તથા સ્ટાફના હિતેન્દ્રભાઈ ગઢવી, માણેક ગઢવી, અલ્પેશ કરમટા, રાકેશ ડાભી, વિપુલ પરમાર વિગેરે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન મોટા કરોડિયા ગામ પાસે હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે રામજી મેઘજી કોલી (ઉ.વ. રપ) તથા ચંદુ ઉમર કોલી (ઉ.વ. ર૪) (રહે બંને હાલાપર, તા. માંડવી) બે મોટર સાઈકલ ઉપર આવતા તેમને પકડી પાડી બાઈક પાછળ બાંધેલ કોથળાની તલાસી લેતા ગેરેજને લગતી અલગ અલગ વસ્તુઓ મળી આવતા બંનેની પુછતાછ કરતા ડુમરા ગામે ગેરેજ તોડી ચોરી કરેલા કેફીયત આપતા આરોપીઓ પાસેથી ર૬ હજારના સ્પેરપાર્ટ તથા ૩૭ હજારની બે મોટર સાઈકલો સહિત ૬૩ હજારનો મુદામાલ કબજે કરી ધરપકડ કરી હતી. આરોપીઓની પુછતાછમાં માંડવી તાલુકાના હાલાપર ગામે દોઢેક માસ પહેલા મુંબઈગરાના જૈનના મકાનમાં ૧.ર૦ લાખની ચોરી કરી હોવાની કેફીયત આપી હતી. હાલાપર ગામે થયેલી ચોરી અંગે ગઢશીશા પોલીસ મથકે પ્રફુલ્લ ટોકરશી ગોસરે ફરિયાદ નોંધાવી હતી.