ડીસ્ટ્રીક્ટ મીનરલ ફંડમાંથી બે કરોડની ગ્રાન્ટ અપાશે

ગાંધીનગરમાં યોજાયેલી ખાસ મિટીંગમાં નિર્ણય લેવાયો

 

ગાંધીનગર : પશ્ચિમ કચ્છના બારડોલી સમાન નખત્રાણા ખાતે આ જીઆઈડીસી કોલેજને વહીવટ ચલાવવા ડિસ્ટ્રીક્ટ મીનરલ ફંડમાંથી ર કરોડની ગ્રાન્ટ આપવાની મહત્વપુર્ણ નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ ગાંધીનગર મધ્યે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં નખત્રાણા મધ્યે આવેલી જી.એમ.ડી.સી. કોલેજને ગ્રાન્ટ ફાળવવાની બાબતમાં ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સરકારના મંત્રી વાસણભાઈ આહિર , ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય, રૂપવંતસિંહ (કમીશ્નર ભુસ્તર અને ખાણ ખનીજ), એ.કે. માંકડીયા (જન.મેનેજર, જીએમડીસી) તેમજ મહાવીરસિંહ રાઉલજી (આયોજન અધિકારી કચ્છ) વગેરે સાથે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાની આગેવાનીમાં કોલેજના ટ્રસ્ટીઓનું પ્રતિનિતિ મંડળ જેમાં અબજીભાઈ કાનાણી (પ્રમુખ અખિલ ભારતીય કડવા પાટીદાર), મોહનભાઈ છાભૈયા (ટ્રસ્ટી), મનસુખભાઈ રૂડાણી (ટ્રસ્ટી), અર્જુનદેવસિંહ ચુડાસમા (ક્ષત્રિય અગ્રણી નખત્રાણા), કે.બી. જાડેજા,વિષ્ણુભાઈ ત્રિવેદી (પ્રીન્સીપાલ કોલેજ) તેમજ અજયસિંહ ચૌહાણ (રજીસ્ટાર સાહિત્ય અકાદમી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ચર્ચાઓના અંતે કોલેજના એક કરોડ છનું લાખના દર વર્ષની જરૂરીયાતને પહોંચી વળવા ચાલુ વર્ષથી જ પ્રથમ વર્ષે ડિસ્ટ્રીક્ટ મીનરલ ફંડમાંથી કોલેજનું વહીવટ ચલાવવા બે કરોડ આપવામાં આવશે. તેમજ ત્યાર સુધીમાં સરકાર અને જીએમડીસી દ્વારા રૂા. રપ થી ૩૦ કરોડનું ર્કોપસ ફંડ ઉભું કરીને તેનાં વ્યાજમાંથી કોલેજનું સુચારૂ વહીવટ ચલાવી શકાય તેવી વ્યવસ્થા કરી આપવાની શિક્ષણ મંત્રીએ સરકાર તરફથી ધારાસભ્ય શ્રી જાડેજા અને કોલેજનાં ટ્રસ્ટી મંડળ વગેરે પ્રતિનિધિઓને ખાત્રી આપી હતી. અબડાસા ધારાસભ્યે રૂપાણી સરકારનો આભાર માન્યો હતો.