ઠીક હૈ… મેં દાઉદ બોલ રહા હૂં : નદીમને બચાવવાના ડોનના પ્લાનનો પર્દાફાશ

નવી દિલ્હીઃ વિદેશોમાં બેઠેલા ભાગેડુઓના પ્રત્યાર્પણ માટે મોદી સરકાર દ્વારા છેડવામાં આવેલી ઝુંબેશની અસર હવે વરતાઇ રહી છે. એટલે સુધી કે આ ઝુંબેશને કારણે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને પણ પોતાના પગ તળેની ધરતી સરકતી હોવાનું લાગી રહ્યું છે. ઇન્ડિયા ટુડે પાસે એક ખાસ ટેપ ઉપલબ્ધ છે જેમાં દાઉદને સ્વયં ફોન કરીને ભારત સરકારની ઝુંબેશ અને નદીમ અંગે ચિંતા વ્યકત કરતો સાંભળી શકાય છે.૧૯૯૭માં કેસેટ કિંગ ગુલશનકુમારની હત્યામાં વોન્ટેડ સંગીતકાર નદીમ સૈફીને ભારતીય કાનૂની જાળમાં નહીં ફસાવા દેવા માટે હવે દાઉદે પણ ફાંફાં મારવાનું શરૂ કરી દીધું છે. નદીમને ભારતના કાયદાની ચુંગાલમાં ફસાતો અટકાવવા માટે જ્યારે એક ગેંગસ્ટર દાઉદને ફોન કરે છે ત્યારે દાઉદ કહે છે કે “ઠીક ઠીક હૈ. મેં દાઉદ બોલ રહા હૂં.”
૯૦ના દાયકામાં બોલિવૂડની એક હિટ સંગીતકાર જોડીનો સભ્ય રહી ચૂકેલ નદીમ સૈફી ઘણા લાંબા સમયથી બ્રિટનમાં રહે છે. ઇન્ડિયા ટુડે પાસે ઉપલબ્ધ કોલ ઇન્ટરસેપ્ટ દ્વારા બોલિવૂડના સૌથી સનસનીખેજ ગુલશનકુમાર હત્યાકાંડમાં નવી હકીકતોનો પર્દાફાશ થયો છે.