ટ્રેનની અડફેટમાં આવતાં કચ્છી મહિલાનું મોત

બહેનના ખબર-અંતર પૂછવા માટે ગઇ હતી મૃતક

ભાયંદરઃ બહેનના ખબર-અંતર પૂછવા માટે નીકળેલી નાલાસોપારાની ૩૫ વર્ષની મહિલાનું ટ્રેનની અડફેટમાં આવતાં મૃત્યુ થયું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે
હોસ્પિટલમાં પાઠવ્યા બાદ વસઇ રેલવે પોલીસે એડીઆર દાખલ કર્યો હતો. આ પ્રકરણે ટૂંક સમયમાં મૃતકની માતાનું તેમ જ મેલ ટ્રેનના ડ્રાઇવરનું નિવેદન નોંધવામાં આવશે. નાલાસોપારા પૂર્વમાં તુલિંજ વિસ્તારમાં રહેતી સ્મિતા જીગર ગાલા (૩૫)નું ૨૦મી નવેમ્બરે સવારે ૧૧.૨૫ વાગ્યાને સુમારે નાલાસોપારા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-૪ પર મેલ ટ્રેનની અડફેટમાં આવતાં મૃત્યુ થયું હતું. સ્મિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાઠવાયા બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. વસઇ રેલવે પોલીસને સ્મિતાના પતિએ જણાવ્યું હતું કે સ્મિતાની બહેન ડોંબિવલીમાં રહેતી હોઇ તેની તબિયત સારી ન હોવાથી સ્મિતા તે દિવસે બહેનના ખબર-અંતર પૂછવા માટે ઘરેથી નીકળી હતી. ૧૨ વર્ષની  પુત્રીની માતા એવી સ્મિતા પાસેથી નાલાસોપારાથી ડોંબિવલીની ટ્રેનની ટિકિટ મળી આવી હતી.