ટ્રેનના મુસાફરોને હવે મફત મુસાફરીની તક

અમદાવાદઃ રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે હવે રેલવેતંત્રએ પહેલી વાર ઇનામી સ્કીમો જાહેર કરી છે. પ્રવાસીઓ રેલવેમાં મોટા પ્રમાણમાં મુસાફરી કરે તે માટે રેલવેએ લકી ડ્રો સ્કીમ જાહેર કરી છે, જેમાં પ્રવાસીનો નંબર લાગશે તો તેને રૂ.૧૦,૦૦૦નું ઇનામ મળશે અને સાથે-સાથે જે તે મુસાફરી મફતમાં કરવા મળશે.તેના માટે પ્રવાસીએ ભારતીય રેલવે પ્રવાસન નિગમ (આઇઆરસીટીસી) પર પોતાનું એકાઉન્ટ ખોલવું પડશે. ત્યાર બાદ એ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે. રેલવેએ આ યોજના હેઠળ લકી ડ્રો સિસ્ટમ શરૂ કરી છે, તેના માટે આઇઆરસીટીસીની પ્રોફાઇલમાં મુસાફરે પોતાના નામથી જ ટિકિટ બુક કરાવવી પડશે. છ મહિના સુધી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને લકી ડ્રો સ્કીમનો લાભ મળશે. જે મહિનામાં ?જે ટિકિટ બુક થઇ હશે તેના આગામી મહિને મુસાફરને ખબર પડી જશે કે જીત્યા કે નહીં. આવા પાંચ વિજેતા આગામી પાંચ મહિનામાં જાહેર કરાશે. હવાઇ યાત્રા કરતા મુસાફરો વધુ ને વધુ મુસાફરી કોઇ એક એરલાઇન્સ થકી કરે તો તેમના માટે અનેક પ્રોત્સાહક ઇનામ જાહેર થયેલાં છે, જેમાં મુસાફરોને અનેક વિશેષ સુવિધાઓ સહિત એર ફેર પર ડિસ્કાઉન્ટ પણ મળે છે. એરલાઇન્સ કંપનીઓની આકર્ષક યોજનાઓના પગલે હવે રેલવેએ પણ પ્રમોશન સ્કીમ જાહેર કરી છે. જે મુસાફરને વ્યવસાયમાં વધારે ટૂર થતી હશે તેમને આ સ્કીમનો વધુ લાભ મળશે. સ્કીમના વિજેતાને ૧૦ હજારના ઇનામ ઉપરાંત બુકિંગનો તમામ ખર્ચ ઉમેરીને પરત આપવામાં આવશે. રેલવેતંત્ર હાલમાંં આઇઆરસીટીસી કાર્ડ પણ પ્રમોટ કરી રહ્યું છે. આ કાર્ડ અંતર્ગત રેલવે મુસાફર વિવિધ ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે એટલું જ નહીં, વધુ મુસાફરી કરવાથી વધુ પોઇન્ટ પણ તેમના ખાતામાં જમા થતાં તેમને આકર્ષક વળતર અપાશે.