ટ્રાવેલ્સ સંચાલકોનું બોગસ કોરોના નેગેટિવ રિપોર્ટ આપવાનું મોટું કૌભાંડ ઝટપાયું

(જી.એન.એસ)વાપી,મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા પછી અને મહારાષ્ટ્રમાંથી ગયેલા નાગરિકોએ ગુજરાતમાં કોરોના ફેલાવ્યો છે એવા અનેક કેસ બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ માટે તમામે વલસાડ જિલ્લાની ભિલાડ ચેક પોસ્ટ ખાતે કડક તપાસ શરૂ કરીને આરટીપીસીઆર નેગેટિવ રીપોર્ટ ફરજિયાત કર્યો હતો. એકતરફ મહારાષ્ટ્રમાં કેસ વધતાં લોકડાઉનની ભીતિ વચ્ચે લોકો પલાયન કરી રહ્યા છે. આથી બોર્ડર પસાર કરીને ગુજરાત પ્રવેશવા માટે ટ્રાવેલ્સવાળાનું બોગસ કોરોના નેગેટિવ રિપોર્ટ આપવાનું મોટું કૌભાંડ મુંબઇ કાશીમીરા ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડવામાં આવ્યું છે.પેસેન્જર પાસે ૩૦૦ રૂપિયા વધારાનો ચાર્જ લઇને ટ્રાવેલ્સ સંચાલકો કોઇપણ જાતના પરીક્ષણ વિના કોરોના નેગેટિવ રીપોર્ટ આપી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા પછી ભિલાડ ચેક પોસ્ટ ખાતે અને સંઘપ્રદેશ દમણના આરોગ્ય અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા કોરોના નેગેટિવ એવું દર્શાવતો આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ રિપોર્ટ નહીં હોય તો કાર, બસ કે કોઈપણ વાહન સાથે પ્રવાસીઓને પાછા મહારાષ્ટ્રમાં રવાના કરી દેવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા પછી આ તપાસ કડક કરવામાં આવી છે. આથી આ બોર્ડર પાર કરવા માટે ઘણા લોકો બોગસ રિપોર્ટનો આશરો લઈ રહ્યા છે.સોમવારે મધરાત્રે એક ખાનગી બસમાં બોગસ રિપોર્ટ પર પ્રવાસીઓને લઈ જવામાં આવી રહ્યા છે એવી માહિતી અમારા સ્ટાફમાંથી નાયક થાપાને મળી હતી. આ માહિતીને આધારે મહારાષ્ટ્રથી ગુજરાત જતી પવન ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૧૪ ઝેડ ૪૫૯૦ને મીરા ભાયંદરમાં ફાઉન્ટન હોટેલ ખાતે સોમવારે મધરાત્રે અટકાવી હતી. આ બસમાં કુલ ૩૨ પ્રવાસી બેઠેલા મળી આવ્યા હતા. તે બધાની પાસેના આરટી- પીસીઆર રિપોર્ટ તપાસમાં આવ્યા હતા. તેમાંથી ૨૦ પ્રવાસીના નેગેટિવ કોરોના રિપોર્ટ બોગસ હોવાનું ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અવિરાજ કુરાડેએ જણાવ્યું હતું.હદેખીતી રીતે જ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને માલિક દ્વારા પ્રત્યેક પ્રવાસીઓ પાસેથી રૂ. ૩૦૦ વધારાના વસૂલ કરીને પ્રવાસીઓની આરોગ્ય તપાસ વિના જ આ બોગસ રિપોર્ટ આપતા હતા.બસમાં અન્ય ૧૨ પ્રવાસીઓ પાસેથી પણ રિપોર્ટને નામે વધુ પૈસા લેવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્ય સરકારે કોરોનાનો ફેલાવો રોકવા માટે લાગુ કરેલા નિયમોનું પણ ઉલ્લંઘન કરાયું હતું. આ સંબંધે ૩૨ પ્રવાસી, ૨ ડ્રાઈવર, ૧ ક્લીનર સામે આપત્તિ વ્યવસ્થાપન ૨૦૦૫, ચેપીરોગ પ્રતિબંધ કાયદો ૧૮૯૭ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.