ટ્રાન્સફર નીતી મુદ્દે ગાંધીધામ ચેમ્બર પર ઠલવાયો બળાપો – રજૂઆતોનો ધોધ

image description

  • ૧-ર લોકો આપઘાત કરશે તો જવાબદાર કોણ ઠરશે? એસઆરસી-ડીપીટી કે ચેમ્બર?

સવારે એસઆરસીને રજુઆત કરનાર પ્રોપર્ટી ડીલર્સ સહિતના ક્ષેત્રોના પ્રતિનીધીઓએ ચેમ્બર ઓફ કોમર્સમાં સાંજે યોજી બેઠક

માત્ર રજુઆતો કરવી, મીટીંગો યોજવાથી કામ નહીં થાય, ઉગ્ર બનો, રજુઆત અસરકારક કરી દેખાડો : મહેશભાઈ આહુજાએ ચેમ્બરને સીધેસીધો ફેંકયો પડકાર : અમે તબક્કાવાર રજુઆતો કરી છે, દિલ્હીકક્ષાએ ટુંકમા જ આ બાબતે કરીશુ ધારદાર રજુઆત : ચેમ્બર પ્રમુખ : એસઆરસી સ્થાનિક લોકોની સાથે જ છે, પારકા ન સમજો : નરેશભાઈ બુલચંદાણી : ફ્રી હેાલ્ડ જમીનનુ સંચાલન કેન્દ્ર નહી રાજય સરકાર જ કરે છે, તેની કેમ કોઈ નથી કરી શકતું ધારદાર રજુઆત : સમીપભાઈ જોષી : ચેમ્બરને સૌ સાથ આપો : ધર્મેશભાઈ દોશી

ગાંધીધામ : કંડલા સંકુલમાં એસઆરસી ડીપીટી હસ્તકના ઓપન પ્લોટને ડીપીટીએ ટ્રાન્સફર કરતા અટકાવી દીધા છે જે બાબતે ગત રોજ સવારે એસઆરસી સમક્ષ રજુઆત કરવામા આવ્યા બાદ સાંજે પ્રોપટી ડીલર્સ, દસ્તાવેજ લખનારાઓ સહિતના મંડળના આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સમાં બેઠક યોજી અને રજુઆતોનો ધોધ વહેવડાવી દીધો હતો. આ તબક્કે મહેશભાઈ આહુજાએ કહ્યુ હતુ કે, ડીપીટી-ચેમ્બર અને એસઆરસી સતત કહે છે કે, થઈ જશે, તો પછી અટકે કયા છે? નડે છે કોને? ટ્રાન્સફર પ્લોટ ન થવાથી લોકોના લાખો રૂપીયા સલવાઈ પડયા છે? માત્ર કાગળ પર રજુઆતો કરવા કે પછી બેઠા બેઠા મીટીગો કરવાથી કોઈ જ નોધ નહી લેવાય. થોડા ઉગ્ર બનો, અને ધારદાર અસરકારક રજુઆત કરી દેખાડો તેમ શ્રી આહુજાએ ચેમ્બરને પડકાર ફેકતી હિમંતપૂર્વકની રજુઆત કરી દેખાડી હતી.તો વળી પ્રોપર્ટી ડીલર્સ એવા ધર્મેશભાઈ દોશીએ ચેમ્બર ઓફ કોમર્સને આ વિષય પર સૌ કોઈ મદદ કરે, તેમની સાથે રહે, વિશ્વાસ દાખવે તેવો અનુરોધ કર્યો હતો.આ તબક્કે એસઆરસી વતીથી હાજર રહેલા ડાયરેકટર નરેશભાઈ બુલચંદાણીએ કહ્યુ હતુ કે, એસઆરસી જવાબદારીમાથી કયારે પીછેહઠ નથી કરતી. અમે અત્યાર સુધીમા કેાઈને એક પણ નોટીસ નથી આપી. અમે પણ એક સામાન્ય શેરહોલ્ડર છીએ. તો વળી આ તબક્કે સમીપભાઈ જોષીએ કહ્યુ હતુ કે, આ દેશના બંધારણથી ઉપર કોઈ કાયદો નથી, કોઈ પણ વ્યકિત કોઈ પણ ખુણે જમીન લઈ શકે છે આપણી જમીન ફ્રી હોલ્ડ છે. બંધારણમા નકકી થયુ છે તે ફ્રી હોલ્ડ જમીન છે તો તેની વ્યવસ્થાઓ રાજય સરકાર જ જુઓ, કેન્દ્ર ન જોઈ શકે. આ બાબતે કેમ કોઈ રજુઆત કરી દેખાડતુ નથી? તેવો સવાલ પણ તેઓએ ઉઠાવ્યો હતો.તો આ તબક્કે ચેમ્બરના પ્રમુખે કહ્યુ હતુ કે, ઓપન પ્લોટ ટ્રાન્સફર નીતીને લઈને તકલીફ છે તે અમે પણ સારી રીતે સમજી રહ્યા છીએ પણ ભાવુક થવાથી કઈ નહી થાય. સંયુકત લડાઈ લડવી પડશે. અમે બે રોજ પહેલા ડીપીટી ચેરમેનને મળ્યા હતા. તેઓએ દિલ્હી કક્ષાએ રજુઆતનુ કહ્યુ હોવાથી એમપીશ્રીને તરત જ જણાવતા આગામી ટુંક જ સમયમાં એમપી વિનોદભાઈ સાથે દિલ્હી કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેવી ધરપત અપાઈ હતી.આ બેઠકમાં ચેમ્બરના પ્રમુખ, તેજાભાઈ કાનગડ, મહેશભાઈ તિર્થાણી, નરેશભાઈ બુલચંદાણી, પ્રો. દરીયાણી, અશોક ચાવલા, સેવકભાઈ લખવાણી, રાજુભાઈ ચંદનાની, સંજયભાઈ ગાંધી, સમીપભાઈ જોષી, રામકરણ તિવારી, કાનજીભાઈ ભર્યા, હરેશકુમાર તુલસીદાસ, દીનેશ લાલવાણી, હરેશ બાબરીયા, સહિતનાઓ હાજર રહ્યા હતા.

ગાંધીધામમાં ખાલી પ્લોટસ ટ્રાન્સફર મુદ્દે એસઆરસી સમક્ષ કરાઈ રજુઆત

પ્રોપર્ટી ડીલર્સ, જમીનધંધાર્થીઓ, દસ્તાવેજો લખનારા સહિતનાઓ રહ્યા ઉપસ્થિત : એસઆરસી કક્ષાએ પ્રશ્ન ઉકેલવા સહિયારા પ્રયાસોની ઉચ્ચારી ખાત્રી

ગાંધીધામ : ગાંધીધામ-કંડલા સંકુલના ખાલી પ્લોટસ ડીપીટી-એસઆરસી હસ્તકના કે જેના પર બાંધકામ થવા પામ્યુ નથી તેની ટ્રાન્સફર પ્રક્રીયા ડીપીટી દ્વારા અટકાવી દેવામા આવી હોવાથી આ મામલે એસઆરસી અને ડીપીટી કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.પ્લોટસ ટ્રાન્સફર ન કરાતા હોવાથી પડી રહેલી તકલીફ અને સમસ્યાઓ અંગે વારંવાર રજુઆતો કરવા છતા પણ તેનો નિવેડો ન આવતા એસઆરસી ભવન ખાતે પ્રોપર્ટી ડીલર્સ, દસ્તાવેજ લખનારાઓ તથા બિલ્ડરના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. એસઆરસી કક્ષાએ આ બાબતે સ્થાનીકના સેવકભાઈ લખવાણી, ધર્મેશભાઈ દાશી, દિનેશભાઈ લાલવાણી, રાજુભાઈ ચંદનાની સહિતનાઓએ હાજર રહી અને રજુઆતો કરી હતી. જે અંગે એસઆરસી વતીથી ઉપસ્થિત રહેલા નરેશભાઈ બુલચંદાણીએ આ પ્રશ્ન સહિયારા પ્રયાસોથી ઉકેલવાની દીશામાં જરૂરથી સૌ સાથે મળીને કામ કરીશુ તેવી ખાત્રી આપી હતી.

આરંભે સુરાની લડાઈનો સંઘ કાશી પહોંચશે ખરો?

ફ્રી હોલ્ડના વિષયને લઈને લડાઈ કરવી હોય તો આયોજનબદ્ધ રીતે અવીરત સતત કરવી પડે, અગાઉની ચેમ્બરના પ્રમુખશ્રીએ સડકથી લઈ અને સંસદ સુધી કરી દેખાડી હતી રજુઆતો, ત્યારે થોડુ ઘણું કામ થવા પામ્યુ છે..હવે માત્ર કાગળ પર રજુઆતો કરવા હુ..તુ..રતનીયો..અને ફઈના તાલે પહોચી જઈશુ..તો કોણ આપવાનુ હતુ દાદ..!
ગાંધીધામ : ગાંધીધામ-કંડલા સંકુલની જમીનનીતીના પ્રશ્નો અટપટ્ટ છે. વ્યકિતગત રીતે આ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવો કપરો જ બની રહેતો હોય છે ત્યારે હાલના સમયે ટ્રાન્સફરનીતીને લઈને ડીપીટી-કંડલા તથા એસઆરસી દ્વારા કોઈ જ સ્પષ્ટ પ્રતિક્રીયાઓ અપાતી નથી અને ઓપન પ્લોટસ એટલે કે જેના પર બાંધકામ થયા નથી તેમના ટ્રાન્સફરના કામો અટકાવી દેવામા આવતા પ્લોટ માલિકના રોટેશન પણ અટકી જવા પામ્યા હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે.
આ પ્રકારનો પ્રશ્ન સંકુલનો આજકાલનો નથી. અને આ પ્રશ્ન કોઈ એકલ-દોલકને લાગતો-વળગતો પણ નથી. ડીપીટીએ કંડલા સંકુલના રહેવાસીઓ, લોકોને સરળતાથી કદાપિ કંઈ આપ્યુ હોય તેવો દાખલો દેખાય છે ખરો? તો પછી ટ્રાન્સફર ઓનપ પ્લોટના માત્ર એસી ચેમ્બરોમાં સુટ-બુટમાં મીટીંગો યોજી દેવાથી કરી દેશે તે કેમ માની લેવાય છે? હકીકતમાં આ પ્રકારના પ્રશ્નોની લડતની આગેવાની ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સે લેવાની જરૂર છે. પણ ખાટલે મોટી ખોટ કહો કે પછી કમનશીબી હાલમાં ચેમ્બરના સુકાની પણ વાસ્તવિક રીતે કામો થાય તેમા રસ લેવાના બદલે માત્ર કાગળ પર રજુઆતો કરવામાં જ પારવઘા બનતા ફરી રહ્યા હોય તેવુ વધારે દેખાય છે. આવા ચિત્રની વચ્ચે ગઈકાલે એસઆરસી ભવન ખાતે પણ આટલા બધા લોકોને સમસયા હોવા છતા એકત્રીત માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો થયા, તો આ પ્રકારની રજુઆતો ડીપીટી કંડલા કે એસઆરસી જેવી સંસ્થાઓ પણ કેટલી અસરકારક નીવડશે? આ રીતના માત્ર આરંભે સુરા બનીને થયેલ લડતો અને રજુઆતોનો સંઘ કાશીએ પહોચી શકે ખરો? જવાબ છે ના. અગાઉની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીધામ સંકુલની જમીન નીતી માટે કેટકેટલી લડાઈઓ કરી છે, સડકથી લઈ અને સંસદ સુધી સતત અવાજ ઉઠાવતા રહ્યા છે, ડીપીટી-કંડલા પોર્ટને બંધ કરી દેવાની પણ જાહેરાતો-ચીમકીઓ ઉચ્ચારાઈ હતી, તે બાદ પોલીસીને જે થોડી ગણી અમલી બનાવી શકાઈ છે. હાલમાં તો વિવીધ સંસ્થાઓના બની બેઠેલા હોદેદારોને ડીપીટી-કંડલામાંથી અલગલ અલગ કામો રાખવામાં જ રસ છે તો એ શા માટે સંકુલની પ્રજા અને ધંધાર્થીઓના હિતને લઈને ડીપીટી-કંડલાથી બગાડશે? કે પછી લડતના બ્યુગલ ફુંકશે ખરા? હકીકતમાં બે-ચાર લોકોની હાજરી સાથેની લડત-રજુઆતો ડીપીટી-કંડલા અને એસઆરસી કક્ષાએ કોઈ જ કામ નથી કરવાની તે સમજી લેવાની જરૂર છે. આવા આયોજનો ફારસરૂપ જ બની રહેશે તેમ પણ જાણકાર વર્ગ ટકોર કરી રહ્યો છે.