ટ્રમ્પે વિદેશ મંત્રીનો ઉત્તર કોરિયા પ્રવાસ શા માટે રદ્દ કર્યો?

વોશિગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોની હાલની ઉત્તર કોરિયાની મુલાકાત રદ્દ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને પ્રસ્તાવિત યાત્રા રદ્દ કરવા માટે કહ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિએ એક ટ્‌વીટમાં કહ્યું છે કે કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ હથિયારથી મુક્ત કરાવવાની દિશામાં પર્યાપ્ત પ્રગતિ થઈ નથી. તેમણે કહ્યું કે ચીન અને અમેરિકા સાથે વેપારને લઈને ઊભા થયેલા તણાવના કારણે ઉત્તર કોરિયા પર યોગ્ય દબાવ બનાવી શકાયો નથી. જોકે, જૂનમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે સંમેલનમાં ભાગ લીધા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયાથી કોઈ પરમાણુ ખતરો નથી. જોકે, ત્યારબાદ અનેક એવા અહેવાલો આવ્યા હતા કે ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ સાઇટ્‌સને બંધ કરી નથી.હાલમાં જ એક અજાણ્યા અમેરિકન અધિકારીએ વૉશિંગ્ટન પોસ્ટને જાણકારી આપી હતી કે એવું લાગું રહ્યું છે કે ઉત્તર કોરિયા નવી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલેસ્ટિક મિસાઇલ તૈયાર કરી રહ્યું છે.સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સીએ પણ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ પોતાનો પરમાણુ કાર્યક્રમ જારી રાખ્યો છે. માઇક પૉમ્પિયોને ઉત્તર કોરિયા માટે નિયુક્ત વિશેષ દૂત સ્ટીફન બીગન સાથે આગલા સપ્તાહે ઉત્તર કોરિયા જવાનું હતું. આ વિદેશ મંત્રીનો ચોથો પ્રવાસ હોત. કિંમ જોંગ-ઉન સાથે તેમની મુલાકાત થવાની ન હતી. જોકે, ટ્રમ્પે કહ્યું છે કે માઇક પૉમ્પિયો હવે ઉત્તર કોરિયા નહીં જાય. આ મામલે કરાયેલા ત્રણ ટવીટ્‌સમાંથી બીજા ટ્‌વીટમાં ટ્રમ્પે ચીનને પણ નિશાન પર લીધું છે.તેમણે કહ્યું કે વેપારને લઈને અમારા કડક વલણને કારણે મને નથી લાગતું કે ચીન પરમાણુ હથિયાર મુક્ત કરવાની દિશામાં પહેલાં જેવી મદદ કરી રહ્યું છે.જોકે, બે દિવસ પહેલાં જ ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયાને લઈને ચીન ખૂબ જ મદદગાર રહ્યું છે.