ટ્રમ્પની સામે ઈરાને યુરોપના દેશોના ખભે બંદૂક મૂકી

તહેરાનઃ અમેરિકાએ ઈરાન સાથેના અણુ સોદામાંથી નીકળી જવાનું નક્કી કર્યા પછી પણ જ્યાં સુધી યુરોપિયન દેશોએ બાંયધરી નહીં આપે કે તહેરાન સાથેના વેપારી સંબંધો જળવાઈ રહેશે ત્યાં સુધી તહેરાન આ સોદામાંથી બહાર નહીં પડે, એમ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામૈનીએ જણાવ્યું હતું. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તેમના પુરોગામી બરાક ઓબામાએ ઇરાન સાથે કરેલી અણુસંધિને રદ કરવાનું જાહેર કર્યું છે. તેમણે ઇરાન પર નવેસરથી પ્રતિબંધો લાદ્યા હતા.
‘તમને ચોક્કસ ગેરન્ટી નહીં મળે- અને મને એ શંકા છે કે એ મળશે કે નહીં- એવા સમયે અમે એ સોદામાં રહી શકીએ એમ નથી,’ એમ ખામૈનીએ ઈરાનના સરકારી ટેલિવિઝન પરના ભાષણમાં જણાવ્યું હતું.દરમિયાન ઈરાન સામેના અમેરિકાના નવા પ્રતિબંધો પછી ઈરાનમાંથી કંપનીઓના હિતની જાળવણીનું રક્ષણ કરવા માટે અમે કાંઈ પણ કરવા માટે તૈયાર છીએ, એમ યુરોપના અધિકારીઓએ જણાવ્યું હતું.